પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
કલ્યાણિકા
 


અંધાએ ઉરસ્વપ્ન દીઠું કો,
મૂંગે સાકર ખાધી ;
બધિરે નવસંગીત સુણ્યું હો :
સહુની એ જ ઉપાધિ !
સંતો ! કોણ અગમ સમજાવે ? ૩

નહીં તારાગણ, નહીં રવિ ચંદા,
નહીં જળ થળ કો બોલે ;
લાખ નામ દઈ જન પૂજે, પણ
પૂજ્ય ભેદ નહીં ખોલે !
સંતો ! કોણ અગમ સમજાવે ? ૪

ચેતન ચેતન અંતર ઝબકે,
બહાર રહી છે માટી :
અક્ષર ઓળખનાર ઉચ્ચારે,
નહીં બોલી દે પાટી !
સંતો ! કોણ અગમ સમજાવે ? ૫

નિરાકાર આકાર કહે કે
ઓળખાવે ઓંકારે ;
સૌથી ન્યારો અદ્દલ રહ્યો તે
કો વિરલા ઉર ધારે !
સંતો ! કોણ અગમ સમજાવે ? ૬