પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૪૧
 


આ તો પ્રીતતણું મંદિર છે,
રંગભવન નથી કાંઈ,
શિર કાપી ઉંબરમાં મૂકે,
તેજ પ્રવેશે માંહીં !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૩

જપ તપ વ્રત ને પૂજા એ સૌ
કર્મતણી છે બેડી;
પ્રીતતણો છે પંથ નિરાળો,
જવું રુધિર નિજ રેડી !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૪

દુખના મેઘ મહા વરસે કે
આભ પડે શિર તૂટી :
સાચા શૂરા નિજ જીવન એ
પ્રીતતરસે રહે ઘૂંટી !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૫

કાયા જીતે, માયા જીતે,
જીતે જીવન શૂરો :
પ્રીતમંદિરે પ્રભુને જીતે
અદ્દલ વિરલપદ પૂરો !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૬