આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધન
૭૯
ડાંખલી તોડે, પાન મરોડે,
ફૂલ ચૂંટે બહુરંગી;
આજ ઊગે ને કાલ ખરે એ,
પછી એ સૌની તંગી
રે મન ! કાં રહે એકલરંગી ? ૨
ભરવૃક્ષે જ રહે સુંદરતા,
કર તેને તુજ સંગી;
ફૂલ, પાન ને ડાંખલી તો છે
એ જ વૃક્ષનાં અંગી !
રે મન ! કાં રહે એકલરંગી ? ૩
નહીં બિંદુમાં સિંધુ ઊછળતો,
સંધ્યામાં ન પતંગી;
પૂર્ણ જીવનની સુંદરતા રહે
એક દિશા ન કઢંગી:
રે મન ! કાં રહે એકલરંગી ? ૪
મનબંધન સૌ એકલરંગે,
તેનો થા ન ઉમંગી:
પૂર્ણ જીવનરંગે જા ડૂબી
હું-તું સૌ ઓળંગી !
રે મન ! કાં રહે એકલરંગી ? ૫