પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ : કાંચન અને ગેરુ
 


સાહેબ ! એ વાત ન પૂછો તો નહિ ચાલે?'

'કારણ જાણવું જોઈએ; તે સિવાય ન્યાય આપી શકાય નહિ.'

'તમે ન્યાય આપવાના છો?' યુવતીએ ઝીણી આંખ કરી પૂછ્યું.

'અદાલતો એટલા માટે જ છે.' ન્યાયાધીશે ભાર મૂકી કહ્યું.

'એમ કે? કારણ શું બતાવું ?... હા..એ બાળક મારે જોઈતું ન હતું.'

'ન જોઈતાં હોય એ માનવીઓને મારી નાખી શકાય નહિ.'

'મેં ન જોઈતાં બધાં માનવી માર્યા નથી. મેં એક મારુ જ બાળક માર્યું છે.'

'બાળક જન્મતાં બરોબર સામાજિક મિલકત બની જાય છે. તમારી ફરજ તેને માતા તરીકે ઉછેરવાની છે, નહિ કે મારવાની.' ન્યાયાધીશે માતાને માતૃત્વનો બોધ આપ્યો.

'ન્યાયાધીશ સાહેબ ! એ કાયદો કોઈ એવા સમાજમાં ફેલાવો કે જ્યાં માતાને વણમાગ્યાં બાળકો આપવાનો ગુનો પુરુષો કરે નહિ.'

'એટલે ?'

'તમારા સમાજમાં દંભી અદાલત સ્થાપી તમે કાયદો તોળવા બેઠા છો ! તમે જાણો છો ?...હિંદ જેવા કમનસીબ દેશમાં જન્મેલી સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરી ધર્મભક્ત અને દેશભકત તરીકેનું અભિમાન લેતા પશુથી યે બદત્તર પુરુષસમાજમાં ગુના સિવાય બીજું બને છે શું ?'

'એ જુદો પ્રશ્ન છે. એ ગુનો કરનારનાં નામ આપો. હું તેમને પકડીશ. પરંતુ આ ગુના માટે તો...'

'શું કહ્યું, સાહેબ ? ગુનો પકડશો ? ગુનેગારને પકડશો ? હા... હા... હા...! સહુથી પહેલાં પકડો એ ગુંડાઓને કે જેમણે ધર્મને નામે પાકિસ્તાન માગ્યું ! પછીથી પકડો પેલા હિંદુ નિર્માલ્ય નેતાઓને કે જેમણે પાકિસ્તાન અપાવા દીધું ! છે તાકાત ? તમારી કે તમારા ન્યાયશાસનની ?'