પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮ : કાંચન અને ગેરુ
 

રમા પણ આગળ ભણીને પુરુષો માટે સામાજિક અનુકૂળતા સાધતી હતી. જ્ઞાતિના જે બે છોકરાઓ પ્રત્યે રમાના પિતાની અને માતાની દૃષ્ટિ ખેંચાઈ હતી તેમાંના એક યુવકની દૃષ્ટિ પણ રમા તરફ ખેંચાઈ; અને રમાને અંતે પરણવાનું તો હતું જ ને ! એટલે એ યુવકની ખેંચાયેલી આંખને રમાએ તરછોડી નહિ, ઊલટું આવકારી ભણતર અને પ્રેમના બન્ને પ્રવાહો સાથે વહે એવી આજના બ્રહ્મચર્યાશ્રમમાં સગવડ થઈ છે !

સામાન્ય સ્થિતિના હિંદવાસીને એક આફત સામે ઝૂઝવાનું હોતું નથી; એને આફતોનો સામનો કરવો પડે છે. રમાના પિતાની સ્થિતિ કાંઈ સારી કહેવાય નહિ. મધ્યમ સ્થિતિની પણ એટલે શું એ સહુ કોઈ જાણે છે; તેમાં યે મધ્યમ સ્થિતિની પણ મધ્યમ એટલે ગરીબીની વાસ્તવિકતા તથા ઉચ્ચ રહેણીના ખર્ચાળપણ વચ્ચે સતત ઘસાયા-ઘવાયા કરવું ! રમા પિતૃગૃહની આ પરિસ્થિતિ સારી રીતે સમજી ગઈ હતી. મોટી બહેનો પરણી ગઈ હતી; છતાં તે અને વધારામાં તેમનાં બાળકોની અવરજવર હિંદુ ગૃહમાં જરૂર હોય જ. નાનાં ભાંડુ તો હતાં જ. પોતાનું ભણવાનું ભારણ તે હતું જ. છતાં સ્ત્રીજાત જ સહન કરી શકે એવી સુશીલતાપૂર્વક તે ભણતી. માતાને ઘરકામમાં અને રસોડામાં સહાય કરતી બહેનોની અવરજવર હોય ત્યારે બહેનો તેમ જ જેમનાં બાળકોને સાચવતી, અને નાના ભાઈઓની પણ કાળજી રાખતી.

બહેનો પિતૃગૃહે આરામ માટે આવતી; નાના ભાઈઓ નાના હતા. એટલે ઘરનું ઘણું ભારણ રમાને માથે જ રહેતું. માતાના દેહને લાગેલો ઘસારો પુરાય એવી કૌટુંબિક પરિસ્થિતિ જ ન હતી. પગે ચાલીને દેવદર્શન કરવું અગર હાડ મારી સહીને જાત્રા કરવી, એ સિવાય હિંદુ જીવનમાં ઘસારા પૂરવાનું બીજું સાધન શું? પૌષ્ટિક ખોરાક, આરામનાં સાધનો, આનંદ પ્રસંગ પર્વટન, એકાંત: એ બધી મધ્યમ વર્ગથી ન પહોંચાય એવી સામગ્રી ધનિક અને ઉચ્ચ