પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨ : કાંચન અને ગેરુ

જમતી વખતે નોકર થાળી લઈ આવ્યો–આશ્લેષાને બદલે. સાંજે ચાનો પ્યાલો પણ નોકર આપી ગયો. પ્યાલો લઈ તે આશ્લેષાના ગયો. આશ્લેષાએ સામે પણ ન જોયું અને કાંઈ વાત પણ ન કરી.

'તું શા માટે મને જમાડે છે. અને ચા પાય છે, જો આમ જ અલગતા રાખવી હોય તો...' સુનંદે પૂછ્યું-ગુસ્સામાં.

'તારા ઘરમાં છું ત્યાં લગી હું મારી છેલ્લી ફરજ બજાવું છું. આશ્લેષાએ કહ્યું.'

'મારા ઘરમાં કયાં સુધી છે ? '

'આજની રાત. કાલ સવારથી મેં બીજું મકાન ભાડે રાખી લીધુ છે.'

'આપણા બેમાંથી કોઈ ઘેલું બની ગયું હશે?'

'તે હું નહિ.'

'છોકરી ! તું બહુ મિજાજી છે.'

'તારા જેવા મહાકવિ પતિ હોય એટલે મિજાજ તો હોય જ ને?'

સુનંદ ઓરડાની બહાર ચાલ્યો ગયો. રાત્રે પણ તેને જમવાનું મળ્યું ખરું. પરંતુ રાત્રે તેને નિદ્રા ન આવી. એ તો ઠીક, પણ જાગૃતાવસ્થામાં યે તેની વાતના “પ્લોટ ” આગળ ઊકલ્યા નહિ.

'કાંઈ નહિ આશ્લેષા જરા રિસાઈ છે. કાલ સવારે મનાઈ જશે. જરા ઓછી કવિતા લખીશ અને એને વધારે પાસે બેસાડીશ...એની તબિયત કેવી હશે? મેં ભૂલ કરી. લાવ, એની તબિયત પૂછી આવું.'

અસ્વસ્થ બનેલ સુનંદ ઊઠ્યો અને આશ્લેષા સૂતી હતી એ ઓરડા પાસે ગયો. બારણું ઠોકી તેણે બૂમ મારી : -'આશ્લેષા !'

આશ્લેષાએ જવાબ ન આપ્યો. સુનંદે ફરી બૂમ મારી. એકાએક બારણું ઊઘડ્યું. કુપિત આશ્લેષા બારણામાં આવી ઊભી રહી અને કહેવા લાગી : 'શા માટે બારણાં ઠોકે છે અને બૂમ મારે છે ?'