પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડબામાંની ગાય : ૨૧૧
 

વિચાર કરી રહ્યો હતો અને નોકરે આવી ખબર કરી કે ગાયને ડબામાં સલામત પૂરી છે !

નિત્યક્રમ પ્રમાણે જીવન ચાલ્યા જ કરે ને ? થોડા દિવસ - અને થોડી રાત્રી શાંતિમાં પસાર થયાં. બગીચો ખીલ્યે જતો હતો અને મારી મહેનત સફળ થતી હતી. કદી કદી પેલી ગાયનું ભૂત કલ્પનામાં આવી જતું હતું, પરંતુ તે તો તેના કેદખાનામાં હવે પુરાઈ ચૂકી હતી એટલે મને એ બાજુની કશી મુકેલી હતી જ નહિ.

છતાં એક રાત્રે પાછો હું આછા ખખડાટથી જાગી ઊઠ્યો, અને બહાર આવી જોઉં છું તો એની એ ગાય પાછી આવી મારા ઉછેરેલા છોડને વણસાડી રહી હતી ! આફતોનો સહવાસ થતાં આફતોની અણી જરા બૂઠી થતી જાય છે ! ગાયને મારવા મેં લાકડી ઉપાડી, પરંતુ ગાયનાં હાડકાંમાંથી લાકડીએ એક વાર પહેલાં ઊભો કરેલો અવાજ મને પાછો સભળાયો, અને ઉપાડેલી લાકડી માર્યા વગર મેં પાછી વાળી. ગાયને લાકડી મારી હોત તો પણ ગાયને હરકત ન હતી. ન મારી તેથી પણ ગાયની ગતિમાં ફેરફાર થયો નહિ. મારની ભાવનાથી પર બનેલી ગાયને પ્રહાર કે પ્રહારનો અભાવ બન્ને સરખાં લાગ્યાં. બન્ને સ્થિતિ માટે એક યોગીની ઉદાસીનતા ધારણ કરી ગાય ઊભી રહી હતી. ચોરની માફક નાસવાનો તો તેનો પ્રયત્ન હતો જ નહિ.

'કોણે આ ગાયને ડબામાંથી છોડી?' મેં અંધકારમાં પૂછ્યું. કોઈએ જવાબ આપ્યો નહિ. પરંતુ આંખો ચોળતા આવેલા મારા નોકરે ગાયને પકડીને બાંધી અને બબડ્યો : 'કોનું આ નધણિયું ઢોર છે ?' એને રાખતો મરે !'

મને પણ ઠીક ઠીક ગુસ્સો ચડ્યો હતો. માણસો પોતાનાં જાનવરને સંભાળીને રાખતા કેમ નથી ? અને સરકારી રાહે પુરાયેલું જાનવર ડબામાંથી છૂટ્યું શી રીતે ? સવારમાં હું જાતે જ જઈને ડબા કામદારને મળી આનો ખુલાસો કરી લઈશ, એ મેં નિશ્ચય