પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ર : કાંચન અને ગેરુ
 

નથી એમ ટીકા રૂપે કહેનાર નેતાઓનો પણ મોહ સહુના સરખો જ હોય છે એટલે બ્રિટિશ અમલ દરમિયાન ઓળખાતા કલેક્ટરો અને ડેપ્યૂટી તથા એસીસ્ટન્ટ કલેક્ટરો હજી એ જ નામથી ઓળખાય છે. તેમને પોતાને તેમ જ પ્રજાજનોને પણ બીજા દેશી નામે અમલદારોને ઓળખાવવામાં ભારે અપમાન લાગે છે. એ કલેક્ટરો, ડેપ્યુટીઓ તેમ જ એસીસ્ટન્ટોની કાર્યપદ્ધતિનો ધ્રુવ ભગવાનદાસની ધોળી ટોપી જ હતો. અને ભગવાનદાસની વાતમાં પણ કમિશ્નર, કલેક્ટર, ડેપ્યૂટી કે કોઈનો હિસાબ હોય એમ લાગતું જ નહિ.

'એમાં શું ? કમિશ્નરને કહું !' 'કલેક્ટર ઉપર ચિઠ્ઠી લખી આપું !' 'મામલતદાર ?' એને પાંશરો કરવો છે? વાર શી !' આવા આવાં વાક્યોની ફૂલકણીઓ ફોડતા ભગવાનદાસભાઈનું આપણા લોકજીવનમાં કેટલું ભવ્ય મહત્ત્વ હશે તે સહેજ સમજી શકાય એમ છે. બ્રિટિશ અમલમાં કલેક્ટર કમિશ્નરની સાથે 'સાહેબ' શબ્દ લગાડવામાં આવતો હતો તે હવે અદ્રશ્ય થઈ ગયો છે, એટલો વિવેકમાં તેમ જ પ્રજાકીય હકના ભાનમાં વધારો થયો છે એ નોંધ જરૂર કરવી જોઈએ.

હું ઘણું ખરું ભગવાનદાસભાઈ પાસે જતો. એઓ પોતે ભગવાનદાસભાઈ કહેવાતા એ સ્વરાજ્યમાં કોઈએ ભૂલવું ન જોઈએ. બાજરીના ભાવ વધશે કે ઘટશે? સડેલા ઘઉં મળતા ક્યારે બંધ થશે ? ખાંડ મેળવવા શું કરવું ? અને મારે પત્રકાર તરીકેનું વધારે જોઈતું કેરોસીન ક્યાંથી લાવવું ? કાશ્મીર સંબંધી ભગવાનદાસભાઈનો શો મત છે? અને ડાંગની ભાષા ગુજરાતી છે કે મરાઠી એ વિષે ભગવાનદાસભાઈ શું માને છે? અંગ્રેજોનાં બાવલાં શહેરમાંથી ઉઠાવી લેવાની દેશાભિમાનથી ભરપૂર જેહાદનું અંતિમ પરિણામ કોઈ દિવસ ગાંધીજી કે જવાહરલાલની છબીઓ દૂર કરવામાં પણ આવે કે કેમ ? સૂરત