પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ : ર૬પ
 


‘હું તને મઠાધિપતિ સ્થાપું. જોઈએ એટલા મઠ, પીઠ સ્થાનક...'

'કોઈને પૈસે સ્થપાયેલો મઠ હું કદાચ ગુમાવી બેસીશ; હું તો ત્યાગ અને સમૃદ્ધિ સાથે સાથે જોઉં છું ને ?'

'હજી સુધી ?' મને, મારા વૈભવને, મારી સત્તાને જોયા પછી પણ?'

'શર્ત તો પાળવી જ રહી; જીવતાં સુધી !'

'હજી તને આશા છે કે આ અરણ્યનિવાસ, આ તપ અને આ ત્યાગ તને સમૃદ્ધિ આપશે?'

‘આશા ખરી...હજી દિગ્વિજય ઝંખું છું.'

'દિગ્વિજય? હજી હું કાંચનના શિખર ઉપર બેસીને પણ દિગ્વિજ્ય શબ્દ બોલતાં અચકાઉં છું અને તું, આ ગેરુભર્યા અંચળામાં દિગ્વિજય શબ્દનું ઉચ્ચારણ કરે છે?' જયંતે જરા તિરસ્કારપૂર્વક આનંદને કહ્યું.

'દિગ્વિજ્યની બહુ નજીક તું છે, જયંત ! નહિ ?'

'હા. આવતી કાલે સવારે જો તું મળ્યો હોત તો તને મારાં દિગ્વિજ્યની કથા સંભળાવત. ભરતખંડનો એક વિદ્યાર્થી પરદેશ જાય, પરદેશમાં જઈ જગવિખ્યાત શ્રેષ્ઠી બને, ચીન અને ચંપા જેવાં રાજ્યોને હલાવી નાખે, અને એ રાજ્યોની માલિકી સુધી પહોંચે, એનાથી મોટો દિગ્વિજ્ય ઇતિહાસમાંથી તું શોધી કાઢજે !'

'તો અત્યારે જ દિગ્વિજયની વાણી કેમ ઉચ્ચારતો નથી ?'

'ઉચ્ચારી શકું એમ છું... પણ... કોઈને કહેતો નહિ...એક જરા સરખો રહી ગયેલો ગાળો આજ રાતમાં પૂરો થશે.'

'હું કોઈને જ નહિ કહુ, જયંત ! એ ગાળો ક્યો બાકી છે?'

'ચંપાનરેશની કુંવરીનું મારી સાથે લગ્ન નક્કી છે. અત્યારે ચંપાનરેશે આવી એ જ વાત કરી..અને, અંહ...જરૂર પડશે તો બળજબરીથી પણ કુંવરી મને સોંપી દેશે...તે સિવાય સૈન્ય માટે પૈસા રાજાને મળશે નહિં જ.'