પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલતાન : ૪૧
 

સાંભળ્યો. જમીને ગાડીમાં બેસવા જાઉં છું ત્યાં તો ઓટલે ઉગ્રતાપૂર્વક ફરતો સુલતાન મારી પાસે દોડી આવ્યો અને આછું ભસી મારું પાટલૂન પકડી મને ખેંચવા લાગ્યો. મને કૂતરાનો ભય જરૂર લાગ્યો, છતાં એથી પણ વધારે ભય લાગ્યો બલવીરસિંહનો. બલવીરસિંહ અને સુલતાનને એકબીજા વગર કદી જોયા ન હતા. અત્યારે સુલતાન એકલો મારા ઉપર ધસી આવી મને કેમ ખેંચતો હશે ? બલવીરસિંહ તેને મૂકી બહાર નીકળી ગયા હશે શું ?

કે...કે... બલવીરસિંહની તબિયત બગડી હશે ?

સુલતાનનો પ્રેર્યો હુ બલવીરસિંહની ઓરડીમાં ગયો. બલવીરસિંહ હસતે મુખે ખાટલામાં સૂતા હતા ! નહિ, નહિ, એ સ્થિર હાસ્યમાં મને ભયંકરતા દેખાઈ. મેં બૂમ પાડી. બૂમનો જવાબ ન હતો. એનું એ નિશ્ચલ સ્મિત ! મેં બલવીરસિંહનો હાથ પકડી ઉઠાવ્યો. હાથ નીચે પડ્યો. તેની આંખ આંગળી વડે ઉઘાડી. સ્થિર કીકીમાં હલનચલન કે દ્રષ્ટિ ન હતી. હૃદય ઉપર મૂક્યો, નાડી જોઈ. દેહને ધબક આપતો જીવ ઊડી ગયેલ લાગ્યો. શુ બલવીરસિંહે પોતાનું મૃત્યુ સામે આવતું નિહાળ્યું હતું?

સુલતાન વ્યગ્રતાભર્યો આમતેમ ફરતો હતો, ઝડપી શ્વાસ લેતો હતો, કદી કદી ભસી ઊઠતો હતો, બલવીરસિંહના દેહને સુંધતો હતો અને ખાટલામાં તેના દેહ પાસે બેસી આળેટી વળી પાછો આમતેમ ફરી સામે જોતો હતો. સુલતાનની વ્યગ્રતા નિહાળી મારા હૃદયમાં પણ કંપ ઊપજ્યો : 'સુલતાન ! હું સમજી શકું છું; તું અનાથ બની ગયો, બચ્ચા !'

સુલતાન મારી પાસે આવ્યો. મેં તેની પીઠ જરા થાબડી, પણ એના હૃદયમાં જરા ય કરાર ન હતો. એ વારંવાર બલવીરસિંહના શબ પાસે જઈ તેને હલાવતો ચાટતો, તેને અડકતો અને તે દેહને હલનચલન રહિત નિહાળી અકળાઈ મૂંઝાઈ આછી ચિચિયારી પાડી મારી પાસે આવતો.