પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૭૫
 

કદાચ ખબર નહિ હોય...મને તાણનું દરદ શરૂ થયું છે. એટલે આ દવા વારંવાર પીવી પડે છે.'

'કપિલા ! તાણના દર્દીઓ આમ એકાંતમાં આવે જ નહિ અને આમ શીશીઓ સાથે ફેરવે જ નહિ. મને ભય છે કે એમાં ઝેર ભર્યું છે.'

'તો ય તેમાં તારે શું ?'

'મારો હક્ક છે કે મારે તને ઝેર પીતાં રોકવી.'

'તારો કયો હક્ક ? નથી તું મારો સગો; નથી તું મારો મિત્ર; માત્ર આછું ઓળખાણ...'

'તું કહે તો તારો મિત્ર થાઉં ! તું કહે તો તારો સગો બનું ! તારો ભાઈ....?'

'તું મને પરણી શકશે?'

'એ ખરું ! જરા વિચારપ્રેરક પ્રશ્ન છે ! કદાચ મને પણ તાણનું દર્દ એમાંથી થાય !' સહેજ ચમકીને વિજયે જવાબ આપ્યો.

'તો પછી તું તારે માર્ગે જા. વિચાર કરીને આવજે.'

'પણ ત્યાં સુધી તું આ શીશી નહિ વાપરે એવું વચન આપીશ ?'

'હું એ વચન આપતી ય નથી; અને આપું છું તો તે પાળતી પણ નથી.'

'કપિલા ! તેં મને ભારે મૂંઝવણમાં નાખ્યો. કાં તો પરણ, નહિ તો હું ઝેર પીઉં : આ તારી શરત ને?'

આ ઢબે મુકાયેલી પરિસ્થિતિ કપિલાના માનસને સહેજ હળવું બનાવી શકી. તેણે મુખ મલકાવી કહ્યું : 'હા, એમ જ.'

'એની વિરુદ્ધ દલીલ ચાલે ખરી ? '

'ના.'

'તારી શરત કબૂલ. તારે ઝેર ન પીવું, અને મારે તારી સાથે લગ્ન કરવું.’