પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ : કાંચન અને ગેરુ
 


યુદ્ધ અને શહીદી આઝાદી આપશે જ આપશે એમ ખાતરી થતાં હું સુભાષબોઝની સેનામાં જોડાયો. આઝાદીનો ઉત્સાહ અલૌકિક છે. એ ઉત્સાહ જેણે શસ્ત્ર ઉઠાવ્યાં હોય, જેણે વાવટા ફરકાવ્યા હોય, જેણે રુધિરસ્નાન કર્યા હોય એ જ જાણી શકે. બર્મામાં હું આવ્યો હતો કમાવા માટે. મારા કુટુંબીઓએ, વડીલોએ બર્મીઝો ને છેતરી –કહો કે વ્યાપારી કુનેહ વાપરી ભારે મિલકત ઊભી કરી હતી. મને મિલકતનો શોખ ન હતો, જોકે મિલકતનો લાભ હું મેળવ્યે જતો હતો. ધનિક હોવા છતાં ગરીબીની દાઝ દેખાડનાર અને લાખોની સંપત્તિ મેળવ્યા છતાં દેશાભિમાનની ઊર્મિ ઊછળતી રાખનાર ધનિકોનો એક વર્ગ હમણાં ઊભો થયો છે. જે વિદ્યા મેળવી વધારે ભયંકર મૂડીવાદી બનતો જાય છે. મને લાગે છે કે હું એ વર્ગનો સભ્ય હતો. હું સારું ભણ્યો. કૉલેજનું ઉચ્ચ શિક્ષણ મેં લીધું અને કલાનો શોખ પણ કેળવ્યો. એટલે વ્યાપાર અર્થે બર્મા જઈને રહેવામાં મને વ્યાપાર કરતાં બર્મી કુદરત અને કળા, સિયામચંપાના સ્થાપત્ય અને જાવા-બાલીનાં સંગીતનૃત્યના અનુભવની મોહિની વધારે લાગી હતી એમ કહું તો ખોટું નથી.

સાથે સાથે એક માનવ મોહિની પણ હું મારી સાથે લાવ્યો હતો. પરણે છે તો સહુ કોઈ–મોટે ભાગે. પ્રેમનો અનુભવ પણ કરે છે સહુ કોઈ–વર્ષ બે વર્ષ માટે. પરંતુ બબ્બે ત્રણ ત્રણ વર્ષ પરસ્પરના સાથમાં વીતી ગયાં છતાં પણ પ્રેમી રહેનાર યુગલો મેં બહુ થોડાં નિહાળ્યાં છે. એમાંના એક યુગલનો હું જોડિયો વિભાગ છું અને જીવનભર પ્રેમી રહીશ એવી મને ખાતરી છે–દેશાભિમાની હોવા છતા !

આઝાદ ફોજને અને મારા પ્રેમને સંબંધ છે માટે હું બડાઈ હાંકું છું. મારી પત્નીનું નામ નિરુપમા. પત્નીનું નામ બોલાય નહિ, પણ લખાય તો ખરું જ; નહિ? મારા ઘણાં સગાં, વડીલો મિત્રો બર્મા આવતાં ત્યારે પોતપોતાની પત્નીને દેશમાં મુકીને આવતાં.