પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ : કાંચન અને ગેરુ
 

હઠીલી છે એવા ફિલસૂફોએ બાંધેલા સિદ્ધાંતને હું માન્ય કરતો. તોય ઉઘાડે પગે ચાલી મુશ્કેલીમાં પણ હસતું મુખ રાખી સહુને હસાવી શકતી નિરુપમા મારા શારીરિક અને માનસિક થાકનું નિવારણ કરતી હતી એનો સતત પરચો મને થતાં નિરુપમા પ્રત્યેના મારા પ્રેમમાં માનને પણ સ્થાન મળ્યું. પત્ની પ્રત્યે પ્રેમની લાગણી હોય એ શક્ય છે; પરંતુ પ્રેમ સાથે માનની પણ ભાવના હોઈ શકે એવો કાંઈક નવીન અનુભવ મને આ કષ્ટસાધ્ય મુસાફરીમાં થયો. નિરૂપમાની મોહિની હતી તે કરતાં વધી. સાથે સિનેમા જોતાં જે સુંવાળો ભાવ જાગતો એના કરતાં કોઈ વધારે તીવ્ર અને જીવંત ભાવ ડુંગરના ઢોળાવ ચઢાવ સાથે ઊતરતાં ચઢતાં જાગતો. સિનેમાં જોતાં નિરૂપમાના સુવાળા હાથને હું છૂપો છૂપો સ્પર્શ કરતો; ખીણમાં ઊતરતાં કે શિખર ઉપર ચઢતાં કદાચ હું તેને સ્પર્શતો તો ય સંકોચ સહ પૂજ્ય પ્રતિમાને ભક્તિ અને ભયથી સ્પર્શતો હોઉં એમ મને લાગતું. એ મોહિની માત્ર ગળે હાથ નાખી સ્મિત કરવા યોગ્ય પૂતળી ન હતી; પૂર્ણ આધાર સહ એનો આશ્રય લેવાય, વિશ્વાસપૂર્વક એનો હાથ ઝલાય તો વૈતરણી પણ પાર કરાવી દે એવી એ તારિણી લાગતી હતી.

પરંતુ એક રાત્રે મારી એ તારિણીથી હું દૂર હડસેલાયો ! અમારાથી આગળ ગયેલી એક હિંદવાસી ટોળી એક ટેકરાની પડખે આરામ લેતી હતી, ત્યાં સમીસાંજ થવાથી અમે પણ આરામ લેવાનો વિચાર કર્યો. રસ્તો બહુ ભયભર્યો ન હતો. ગુજરાતીઓને લૂંટવામાં લાભ હોય, એમને પકડવામાં કાંઈ જ લાભ થાય નહિ; ઊલટું એ માથે પડે એવી એ પ્રજા મનાતી. એવી પ્રજા ઉપર ગોળીઓ ફેંકવી એ પણ દારૂગોળાનો મિથ્યા વ્યય ગણાય; એટલે લૂંટાવા સિવાય અમને બીજો કાંઈ ભય ન હતો, છતાં રાત્રે પુરુષવર્ગે પહેરો ભરવાની બહાદુરી બતાવી અને અમે જરા ટેકરાની આસપાસ ફરી નીચે ને ઉપર ચઢી ઊતરી સૈનિકની રમત રમવા લાગ્યા.