પૃષ્ઠ:Kankavati.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કહીને માએ તો ઊંડો નિસાસો નાખ્યો છે. ઉંબરનું ઓશીકું કરીને સૂતી છે. ભુખે-દુઃખે એની તો આંખ મળી ગઈ છે, ત્યાં તો મા'દેવજી સ્વપનામાં આવ્યા છે.

"બાઈ બેન, સૂતી છો કે જાગછ ?"

"અરે મા'દેવજી, સૂવું તે શે સુખે ? તમે મારો દીકરો લઈ લીધો છે ને !"

મા'દેવજી કહે, "દીકરો દઉં નહિ, ને દઉં તો પાછો લઉં નહિ. જા. તારી શોક્યે નીંભાડામાં સંતાડ્યો છે."

બાઈની તો આંખ ઊઘડી ગઈ છે. નીંદરમાંથી બાઈ તો ઝબકી ઊઠી છે.

"અરેરે, આ શું કોત્યક ! ના રે ના, ઈ તો અભાગિયો જીવ ઉધામે ચડ્યો છે."

વળી પાછી બાઈની આંખો મળી ગઈ છે. વળી પાછા મા'દેવજી સ્વપનામાં આવ્યા છે અને પૂછે છે કે "બાઈ બાઈ બેન, સૂતી છો કે જાગછ !"

"અરે મા'દેવજી, સૂવું તે શે સુખે ? તમે દીધેલો તમે જ લઈ લીધો ને !"

"હું દીકરો દઉં નહિ, ને દઉં તો પાછો લઉં નહિ. દીકરાને તો તારી શોક્યે નીંભાડામાં ભંડાર્યો છે. સળગતા નીંભાડામાં તારો દીકરો જીવતો જાગતો બેઠો છે. જા, ઝટ ગામના રાજાને જાણ કર."

"અરે મા'દેવજી, આ વાત સાચી એની એંધાણી શી ?"

"ઊઠીને જોજે, તારા ખોરડા માથે સોનાને હાથે અને રૂપાને દાંતે ખંપાળી પડી હશે; આંગણે તુલસીનો લીલો કંઝાર ક્યારો હશે. ગોરી ગાય હીંહોરાં કરી રહી હશે. ઘર વચ્ચે કંકુનો સાથિયો હશે. ઈ એંધાણી હોય તો સમજજે કે હું મા’દેવ આવ્યો’તો.”

બાઈએ તો ઊઠીને ખોરડા માથે સોનાને હાથે ને રૂપાને દાંતે ખંપાળી ભાળી છે, આંગણે તુલસીનો ક્યારો ભાળ્યો છે, હીંહોરાં કરતી ગોરી ગા ભાળી છે, ઘરમાં કંકુનો સાથિયો ભાળ્યો છે. એણે ધણીને વાત કરી છે. રાજાને જઈને ફરિયાદ કરી છે. રાજા તો બાઈની સાથે શોક્યના નીંભાડા આગળ ગયા છે. રાજા તો કહે છે કે “બાઈ બાઈ બેન, તારો નીંભાડો ઉખેળવા દે.”

“મારો તો સવા લાખનો નીંભાડો છે. ઈ કેમ હું ઉખેળવા દઉં ?”

રાજાએ પોતાની આંગળીમાંથી સાચા હીરાની વીંટી કાઢી છે. વીંટી તો બાઈનાં હાથમાં આપીને બોલ્યા છે કે “આ લે, બાઈ, તારા સવા લાખના નીંભાડા સાટે આ અઢી લાખની મારી વીંટી આપું છું.”

વીંટી આપીને રાજા તો નીંભાડો વીંખવા માંડ્યો છે. બીજી કોર રાંડ શોક્ય પણ વીંખે છે. શોક્ય ઉખેળે તે ઠામ ગારા કચરાનાં થઈ પડે છે ને રાજા ઉખેળે તે વાસણ તાંબા-પીત્તળનાં થઈ પડે છે. છેલ્લે તો ચાર માટલાં બાકી રહે છે.

એ માટલાં ઉખેળે ત્યાં તો માલીપા બેઠો બેઠો કુંભારનો દીકરો લાડવો ખાય છે.