પૃષ્ઠ:Kankavati.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગામની બાઈઓ ના'વા આવે ને વિસ્મે પામે.

અરે, આ આપણી મોર્ય કોણ આવીને આરો પલાળી જાય છે.

વાંદરી!!!

હાં એલા, છે કોઈ !

કે' એક કહેતાં એકવીશ !

ચોકીદાર હાજર થયા.

"ખબરદાર ચોકિયાતો ! અમારી મોર્ય શું વાંદરી રાત જગાડે ?"

પાંદડે પાંદડે ને ડાળ્યે ડાળ્યે ચોકી રાખીને રાજા બેઠા.

પરોડિયું થયું. વાંદરી રાજાને હાથ પડી. દોરીને ઘેર લાવ્યા.

"બોલ વાંદરી! શું કામ સૌની મોર્ય જળ જગાડછ ?"

વાંદરી કહે કે "રાજા રાજા ! મારે વ્રત છે. મને વચન છે કે પૂતર મળશે."

"એમ! એલા રાખો વાંદરીને રાજમોલમાં !"

રાજા કરતા'તા દાતણ અટારીએથી. રાજાજીએ નાખ્યો ગળફો. વાંદરીએ ગળફો અદ્ધર ઝીલી લીધો.

વાંદરીને તો ઓધાન રહ્યું.

બે મહિના, ચાર મહિના, પાંચ મહિના થયા છે. રાજાને ગામતરે જવું છે. કહી ગયા છે કે "વાંદરીને ખાટું ખોરું ખાવા દેશો મા !"

રાણીઓએ કહ્યું કે "હો રાજાજી !"

નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે. એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે. રાજાએ આવીને પૂછયું: "વાંદરી રાણીને શું આવ્યું?

કે' સાવરણીને સૂંથિયાં આવ્યાં!

🌿

ગામનો કુંભાર વાંઝિયો. માટી ખોદવા જાય છે. ખાણમાં તો શું દીઠું છે?

હેઠ બાળોતિયું
પાંભરી ઓઢાડેલી
માંહી રમે છોકરો.

આપણને તો શ્રી પુરુષોત્તમદાસજીએ દીકરો દીધો ! કુંભાર છોકરાને ઘેરે લાવ્યો. નામ પાડ્યું જીકાળિયો. જીકાળિયો તો ગારાના ઘોડા કરે છે. કૂવે ઘોડાને પાણી પાવા લઈ જાય છે: બોલે છે કે "ત્રો ! ત્રો !"

રાજાની દાસી પાણી ભરે: કોત્યક જુવે: "અરે છોકરા, ગારાના ઘોડા પાણી પીતા હશે ?"

"ત્યારે બાઈ, કોઈ અસ્ત્રીને સાવરણી ને સૂંથિયાં તે આવતાં હશે?"