પૃષ્ઠ:Kankavati.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરબનાં પાણી પાનારાઓ ! ભાઈઓ ! તમે આમ પોકારજો હો ! કે-

પાણીડાં પીજો... રે
રાણી રળકાદે ને નામે !

તરસ્યાં વટેમાર્ગુઓને કાને સાદ પડે છે કે-

પાણીડાં પીજો... રે
રાણી રળકાદે ને નામે!

પુરૂષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગન પગે ચાલતાં લોકો દીઠાં છે ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે -

પગરખાં પે'રજો ... રે
રાણી રળકાદે ને નામે !

વળી એ તો આગળ ચાલ્યો છે. ભૂખે મરતાં ગામ ભાળ્યાં છે. ભોજનનાં સદાવ્રત બંધાવ્યાં છે.

ભોજન જમજો... રે
રાણી રળકાદે ને નામે !

આગળ હાલીને એ તો રૂડાં રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે. દેશમાં તો દુકાળ પડ્યો છે. ગામેગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ આંહીં કમાવા આવજો.

આંહીં ભાઈઓને ઘેર તો બધું ધનોતપનોત થઈ ગયું છે. સાંભળ્યું છે કે ફલાણે ફલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે. ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે.

છ જેઠ-જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે.

આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે -

પાણીડાં પીજો... રે
રાણી રળકાદે ને નામે !

જેઠ-જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલાં મારવા માંડ્યાં છે કે "ઓહોહો ! જુઓ તો ખરા. પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રળકાદેવી થઈ ગઈ હશે કે ત્યારે જ એના નામનાં પરબ બેઠાં હશેને ! અને જુઓને આ આપણી રળકાદે ! જાગી છે ને કુળમાં કો'ક કરમફૂટી !"

નાનેરી તો સાંભળી રહી છે. વળી સૌ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે -