પૃષ્ઠ:Kankavati.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે તો પુરૂષે કહ્યું છે: "વિમાસણ કર મા હવે ! હું બીજો કોઇ નથી. હું તો એનો એ જ છું. જો આ નિશાની !"

કરડો કાઢીને બતાવ્યો છે. બાઈને તો હૈયાનાં વહાલ વછૂટ્યાં છે.

"હે અસ્ત્રી ! તારાં પુણ્યે છાણનું સોનું થયું. તેના જ આ પ્રતાપ, તેમાંથી જ મેં તારા નામની પરબો બેસાડી.

પાણીડાં પીજો... રે
રાણી રળકાદે ને નામે !
પગરખાં પે'રજો ... રે
રાણી રળકાદે ને નામે !
ભોજનિયાં કરજો... રે
રાણી રળકાદે ને નામે !

"હે સ્વામી! મને તો ત્યાં ટપલાં મારતા'તાં સહુ."

"ભલે ને માર્યાં. તર્યાં તો છે સહુ તારા પુણ્યે ને ! હવે તો તું અહીં જ રે'જે."

કે' "પણ ઓલ્યા મારી વાત કરશે."

કે' "ભલે ને કરે ! તું મારી અસ્ત્રી છે, ને હું તારો સ્વામી છું."

બાઈ તો ત્યાં રહી છે. જેઠ-જેઠાણી જોઈ રિયાં છે કે એ તો વાલામૂઈ વંઠી ગઈ.

એક દી તો સહુને નાનાભાઈએ જમવા તેડ્યાં છે.

સૌની થાળીમાં સોનાનો ઘડાવેલો અક્કેક દેડકો મૂક્યો છે. બીજું કશું પીરસ્યું નથી. કહ્યું છે કે, "લ્યો ખાવ !"

સહુ તો એકબીજાં સામે જોઈ રહે છે.

"કાં કેમ નથી ખાતાં ? આ તો સોનાનો દેડકો છે. વટાવીનેય ખાઈ શકશો. પણ ઓલ્યું જીવતું દેડકું જે દી પીરસતાં તે દી વિચાર આવ્યો'તો કે આ કેમ ખવાશે ?"

સહુએ એને ઓળખ્યો: આ તો નાનેરો ભાઈ ! સહુએ મૂંડ નીચી કરી.

"પગ પૂજો આ તમારી અણમાનેતીના, કે એની ધીરજ ફળી."