પૃષ્ઠ:Kankavati.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાતે‌એ સંતલસ કર્યો : આપણે સૌ સવારે કામ લેતિયું ઊઠજો. એની મેળે જ ના પાડશે.

સવારે ડોશી ઊઠે ત્યાં તો વહુઓ કામે વળગી ગયેલી. ડોશીએ કહ્યું : માડી ! આ જ કામનો અગતો. હવેથી આપણે અગતા પાળવા છે.

તે દીથી ડોશીએ છૂટી રાશે વહુવારુને મૂકી દીધી !


સાતમનો સડદો


ણબી અને કણબણ હતાં. કણબી ખેડ કરે.

શ્રાવણ મહિનો આવ્યો. અંધારિયું પખવાડિયું આવ્યું. શીતળા સાતમ આવી.

સાતમના તો ચૂલા ઠારવા જોઈએ. આગલો દી રાંધણ છઠનો હતો. છઠની સાંજરે પટલાણીએ તો સડદો રાંધી મૂક્યો.

સડદો એટલે શીતળા સાતમની રસોઈ : પૂરી, ઢેબરાં, સુખડી વગેરે કરીને પટલાણીએ તો સડદો ઊંચે શીકા પર મેલ્યો.

બીજે દી દિવસે સવારે પટેલને પટલાણીએ કહ્યું કે તમે ખેતર જાઓ. હું નાહીધોઈ શીતળા માને જવારીને પછી સડદાનું ભાત લઈને ખેતરે આવીશ.

પટેલ તો ખેતર ગયા.

ખેડતાં ખેડતાં પટેલના હળની કોશ ભાંગી. એ તો ગામમાં પાછો કોશ સમી કરાવવા આવ્યો.

મનમાં થયું કે, આવ્યો છું ત્યારે લેને ઘેર થતો જાઉં.

ઘરમાં પટલાણી નહોતાં. પટેલને લાગી હતી કકડીને ભૂખ. ઊંચે શીકામાં જોયું તો તાસ ભરીને સડદો પડેલો.

લેને ત્યારે ખાતો જ જાઉં ! પટલાણીને ખેતર ધક્કો ખાવો મટ્યો.

ખાવા બેઠો, જેટલો હતો તેટલો બધો જ સડદો ઊચકાવી ગયો, પાણી પીને પટેલ ખેતરે ચાલ્યો ગયો.

પટલાણી ઘેરે આવ્યાં. શીકે જુએ તો સડદો સાફ થઈ ગયો હતો.

પડોશીએ કહ્યું કે પટેલ આવ્યા'તા.

ઓય મારો રોયો ! બધો જ સડદો ખાઈ ગયો ! મને ને છોકરાંને ભૂખ્યાં રાખ્યાં ! હવે એનું વેર લઉં ત્યારે જ હું કણબણ સાચી.

ગામના રાજાને નાનો એક રાજકુંવર. રાજકુંવરને હોઠ માથે જ ગૂમડું થયું છે. લાખો મોઢે ઇલાજ કર્યા, પણ મટતું નથી. રાજકુંવર ચીસેચીસો પાડે છે.