પૃષ્ઠ:Kankavati.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કૂદ ઘોડા કૂદ
તારી નળીઓમાં દૂધ!
જો ડો બાંધ્યો બજાર
ઘોડો ખાય ચણાની દાળ
મોટો વૈશ
ઢીંકા ખૈશ
તે તો શેરીએ ભાગ્યો જઈશ.

એવાં એવાં જોડકણાં બોલીને જેમ એક બાજુ મારા એક ધાવણા સંતાનને મૂકમાંથી ‘વાચાલ' તેમ જ પંગુ માંથી ગિરિલંઘન માટે છલંગો દેતો કર્યો. તેમ બીજી બાજ લોકસાહિત્યમાં રાચતા મારા શિશ-માનસને ભે'-બારશની કથા, રાણી રળકાદેની કથા. વિસામડાનાં ને કોયલ-વ્રતનાં જોડકણાં વગેરે ગાઈને નવા કૂદકા મારતું કર્યું.

અવિનાશી કૌમાર

એ દાદીમાની કથા કહેવાની લઢણ છેક જાફરાબાદ પંથકની. વિસામડાનું જોડકણાં બોલતાં બોલતાં એ જે તાળીઓ દેતાં હતાં. તે તાળીઓ, તેમની અર્ધઅંધાપે ગયેલી આંખોની બોલતી વેળાની ચપળ, ઘેરી, દુઃખ વિસરતી પ્રસન્નતા, તેમનો દરેક હાવ અને ભાવ એક જ વાત કહેતાં હતાં કે વ્રતોએ પોષેલું ને એ વ્રતોએ રમાડેલું કૌમાર, એંશી વર્ષોને મૃત્યુ-આરે પહોંચેલા વૈધવ્યમાંથી પણ નાશ નથી પામતું.

પરસ્પર પ્રતીકો

એવાં દાદીમાઓ મને જાણે કે પ્રત્યેક વ્રતની માનવપ્રતિમા લાગે છે. જૂના કાળની ડોશીઓ, ડગુમગુ પગલે દેવમંદિરે જનારીઓ, ધીરે લકે સુખદુઃખની વાતો કહેનારીઓ દીકરા-દીકરીઓનાં ધાવણાં બાળને એક પછી એક અણથાક લાગણીએ રમાડનારીઓ. સમતા અને સહિષ્ણુતાની સહજ મુખરેખાઓ ધારણ કરનારીઓ, સ્વભાવની અનેક લઘુતાઓની જોડે અનેક મહાનુભાવતાઓનો પણ મેળ મેળવનારીઓ, ગાળો દેનારીઓ તેમ કીર્તનો પણ ગાનારીઓ, ઊનાં બે આંસુ પાડીને પાછી બે જ ઘડીમાં હસી રહેનારીઓ, ઉદારતા અને કંજૂસાઈ વચ્ચેની સીમાદોરી ક્યાં દોરાય છે તેની સદા સર્વદા અજાણ, સો સો દુઃખોને પાર કરી જનાર, જીવનને ત્યજી દેવા તત્પર છતાંય જીવનની ઝીણામાં ઝીણી વિગતોનેય જમ જાણે કદાપિ આવવાનો જ નથી એટલી અટલ આસ્થાથી વળગી રહેનાર, એવી એ દાદીમાઓ અને આ વ્રતો, આ વ્રતકથાઓ : બન્ને મને એકબીજાનાં પ્રતીકો લાગે છે. જમાનાજૂનાં ઝુઝાડ આ વ્રતો; છતાં તેમની જુનવટ કંઈ સૂગ નથી કરાવતી. એમાં પડેલા વહેમો કેવળ બાલભાવે રંજિત છે. એમાં પડેલી તપશ્ચર્યામાં લોની હળવાશ છે.

એ ડોશીમાથી ઊલટા પ્રકારની સ્ત્રીઓને પણ તમે જોઈ હશે: બળેલી ને ઝળેલી,