પૃષ્ઠ:Kankavati.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છયે ભોજાઈઓ તો બરો છણકો કરી કરીને બોલી છે કે “તું જાણ ને તારો ભાઈ જાણે ! શું કામ છે ?”

“મારે વીર પસલીનો દોરો ઊજવવો છે.”

“ જા રાંડ, અમારે દોરા ધાગા નથી કરવા. અમારે પરમેશ્વરનું દીધેલ ઘણું છે.”

એમાં હબડાવી, ફફડાવી , વડચકાં ભરી, રોવરાવી નણંદને તો છયે ભોજાઈઓએ કાઢી છે. આંખો લૂછીને એ તો નાનેરા ભાઈને ઘેર ગઈ છે. ભોજાઈ તો છાશ તાણે છે. જઈને બેને તો પૂછ્યું કે -

“ભાભી, ભાભી, મારો ભાઈ છે?”

ભોજાઈએ હસીને જવાબ વાળ્યો છે કે “ આવો આવો બા, તમારા ભાઈ ખેતરે ગયા છે. હજી તો માંડ સીમાડે પહોંચ્યા હશે. “

સાંભળીને બેને તો વાંસે દોટ દીધી છે. ભાઈ, પસલી ! ભાઈ, પસલી ! એમાં બોલતી દોડી જાય છે.

ભાઈ તો બેનને ભાળી ને ઊભો રહ્યો છે. બેને તો જઈને ભાઈને વીરપસલી ના દોરાની વાત કરી છે. સાંભળીને ભાઈ તો બોલ્યો છે કે-

“અરેરેરે બેન ! આહીં સીમમાં શું આપું ? લે, આ કોદરા આપું છું. એને ઘઉં કરી જાણજે. આ ધૂડનું ઢેફું આપું છું એને ગોળ કરી જાણજે. આ ખોટો ત્રાંબિયો [૧] કરી આપું છું એને સોનામહોર કરી જાણજે !”

ભાઈએ તો ચારે વાનાં ઊજળે મોમે આપ્યાં છે. રાજી થાતી થાતી બેન તો પાછી વળી છે.

એ જ ટાણે જમાઈ તેડવા આવ્યો છે. સાસુએ તો હરખાનાં આંસુડાં લૂંતા લૂંતા ખાટલો ઢાળી દીધો છે. પાણીનો કળશ ભરીને પાયો છે.

જમાઈ તો કહે, "હું તેડવા આવ્યો છું. અબઘડી ને અબઘડી જ મારે તેડી જાવાનું છે. મરાથી ઘડીવારે રોકાવાશે નહિ."

સાસુ કહે," અરેરે માડી! નો'તા ત્યારે નો'તા જ આવ્યા, અને આવ્યા ન્યારે એક સામટા ઉતવળા થઈને આવ્યા!"

પણ જમાઈ તો માનતાનથી. માએ તો દીકરીને સાબદી કરી છે. દીકરીના આણાનો માળીડો ભરવો છે. પણ માંહીં ભરવું શું? દીકરીને દેવા જેવું તો કાંઈ ન મળે!

'હાલો નણદીને વોળાવા જાયેં!" એમ હસતી હસતી ભોજાઈઓ આવી છે. કોઈ સાવરણી લાવી; કોઈ સૂંથિયું લાવી, કોઈ જૂની ઈંઢોણી લાવી. કોઈ ગાભા-મસોતાં ને ચીંથરા લાવી.

  1. જૂના સમયમાં પૈસાનો સિક્કો તંબાનો હતો : ત્રાંબિયો