પૃષ્ઠ:Kankavati.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોડિયું લઈને બાઈ તો ઊભી રહી છે. નાગણી તો જણતી જાય ને બચ્ચાં ખાતી જાય છે. જણતી જાય છે ને ખાતી જાય છે!

બાઈને તો આ જોઈને ચીતરી ચડી છે. એનો તો હાથ થથર્યો છે. દીવો તો હાથમાંથી વછૂટી ગયો છે. અંધારે બે પરડકાં ભાગી છૂટ્યાં છે. બેયનાં પૂંછડાં તો નાગણ મા ખાઈ ગઈ'તી, એટલે બેય ખાંડાં બાંડાં બની ગયાં છે.

નવ મહિના થયા એટલે તો બાઈને ય દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો છે. દીકરો તો અદાડે ઊઝર્યો જાય છે.

દીકરો ભાંખોડિયાંભેર હાલવા શીખ્યો એટલે બાઈએ તો નાગણ માની પાસે રજા માગી: "મા, હવે મને મારે ઘેર પોગાડો."

નાગણ માએ તો તૂટી પડે એટલાં ઘરાણાં દીધાં છે. સાંકળાં, પોલરિયાં, હાંસડી, ઘોડિયું, ગોદડાં, ગોદડી ! બધું દઈ દઈને તો ધરવ કરાવી દીધો છે.

નાગણ બોલી: "લે બેટા, તારા દાદા બેઠા છે એના મોઢામાં હાથ નાખ. બીશ મા. નહિ કરડે."

બાઈએ તો બીતાં બીતાં નાગના મોઢામાં હાથ નાખ્યો. કોણી સુધી નાખ્યો ત્યાં તો બીને પાછો કાઢી લીધો છે. જુએ ત્યાં કોણી સુધી સોનાનો ચૂડો થઈ ગયેલો!

"હવે બીજો હાથ નાખ."

બીજો હાથ તો બાઈએ ઠેઠ ખભા સુધી નાખ્યો છે. ખભા સુધી હેમનો ચૂડો થઈ ગયો છે.

બે ભાઈ જઈને બેનને સાસરિયાના પાદર સુધી મેલી આવ્યા છે.

ઘેર જાય ત્યાં તો 'નાની વહુ આવ્યાં ! નાની વહુ આવ્યાં!' ઘણું ઘરાણું લાવ્યાં ! ઘણું ઘરાણું લાવ્યાં ! એમ કરતાં સૌ સાસરિયાંને ઘેરો વળીને મા-દીકરાને વીંટી લીધેલ છે.

કોઈને ખબર નથી કે વહુના પિયરિયાં ક્યે ગામ છે.

🌿

બાઈનો બેટડો તો મોટો થયો છે. એક વાર જેઠાણી દળણું કરે છે. એમાં છોકરો મૂઠી ભરી ભરીને જવ ઉડાડવા મંડ્યો છે.

બરો કરીને જેઠાણી બોલ્યાં કે "રે'વા દે, ભા ! તારા મામા લોઠકા છે; તે સોનાના જવ પૂરશે. અમારા ગરીબ માણસના જવ શીદ ઉડાડછ, બાપુ !"

બાઈને તો મે'ણું વસમું લાગ્યું છે. રાફડે જઈને એ તો રોઈ છે, ત્યાં તો જવની પોઠો હલકે છે, સાસરિયાંના ભોંઠામણનો પાર નથી રહ્યો.

એક વાર દીકરે દૂધની તાંબડીને ઝાલક મારી એટલે જેઠાણીએ તો મે'ણું માર્યું છે: "રે'વા દે ભા ! તારાં મોસાળિયાં બહુ લોંઠકાં છે ને તે આખું ધામેણું મોકલશે. અમારું ગરીબ માણસનું ભેંસનું દૂધ ઝલકાવવું રે'વા દે, બાપુ !"