પૃષ્ઠ:Kankavati.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળી પાછી બાઈ તો રાફડે જઈને રોઈ પડી છે. માલીપાથી નાગણ મા નીકળે છે. કહ્યું કે "જા, પાછું વાળી જોઈશ મા; વાદીને છાશ આપીશ મા; નાગેલ ! નાગેલ ! કરજે, એટલે ધામેણું હાલ્યું આવશે."

નાગેલ ! નાગેલ ! કરતી બાઈ તો હાલી નીકળી છે. વાંસે ભેં ! ભેં ! ભુંભાડા કરતું ભેંસોનું ધણ હાલ્યું આવે છે.

ઘેર જઈને બાઈ બોલી, "બાઈ જી! વંડો વાળજો !"

સાસરિયાં તો બા'ર નીકળીને જુએ ત્યાં તો ઓહોહો ! કૂંઢી ને કૂંઢી ! કપાળમાં ધોળાં ટીલાં ! એવી ભેંસોનું ધામેણું ઊભું છે !

🌿

વે રાફડામાં શું થયું ? નાગણ માનાં બે પરડકાં બાંડાં થઈ ગયા'તાં. એ બેય રમવા જાય તે એને કોઈ રમાડે નહિ. સૌ કહે,

"ચાલ્ય, એલા ખાંડિયા, તને નહિ રમાડું !"

"ચાલ્ય, ઓ બાંડિયા, તને નહિ રમાડું !"

બેય ભાઈ મા પાસે આવ્યા છે. આવીને પૂછે છે, "મા ! મા ! બોલ, અમને ખાંડિયાં-બાંડિયાં કોણે કર્યાં ?"

"બેટાઓ ! આપણે મરતલોકમાં એક બેન છે. તમે અવતર્યા ત્યારે એના હાથમાંથી દીવો પડી ગયો'તો. એટલે તમે ખાંડિયાં બાંડિયાં થઈ ગયાં."

"તો તો અમે બે ય જઈને એને કરડશું."

"અરર ! બેટા ! બેનને કરડાય ? ઈ તો આશિષ આપે એવી બેન છે."

"જો આશિષ દેશે, તો તો અમે સાડલો-કાપડું કરીને આવશું, ને જો ગાળ દેશે તો કરડીને આવશું."

બેય ભાઈ તો બેનને ઘેર ગયા છે. સાંજ ટાણું થયું છે. એક સંતાણું ઊંબરમાં ને એક સંતાણું પાણિયારે. બેય કહે છે કે "આંહીં આવે ત્યારે ટચકાવીએ !"

બેન તો ઊંબરમાં આવી ત્યાં ઠ...સૂક ઠેસ વાગી. તરત બેન બોલી :

ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીર!
મારાં નપીરીનાં પીર!
શેષનાગ બાપ ને નાગણ મા
જેણે પૂર્યાં હીર ને ચીર.

સાંભળીને ખાંડિયાના મનમાં થયું કે "લે ! આ બેન તો આશિષ આપે છે. એને તે કાંઈ કરડાય !"