પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮

માલમ પડે એવું ન હતું. તેની આંખ ફાટેલી તથા લાલચોળ થઈ ગયેલી હતી અને સાધારણ રીતે જે ચળકાટ અને બુદ્ધિનો અંશ ઘણું કરીને બીજી આંખોમાં માલમ પડે છે તે તેમાં જણાતો ન હતો. તેઓ કોઈ વખત એક જ વસ્તુ તરફ સ્થિર માંડેલી રહેતી; વખતે વગર મતલબે આણીગમ તેણીગમ ફર્યા કરતી. જો તેની આંખ ઉપરથી જ પરીક્ષા કરીએ તો તે છેક ગાંડી થઈ ગયેલી છે એમ આપણી ખાતરી થયા વિના રહે નહી. તેના મનનો વિકાર તેની આંખમાં જ જણાઈ આવતો હતો એટલું જ નહી પણ તેનું બોલવું પણ ચિત્તભ્રમ અભાગીયાં માણસો જેવું જ હતું. તેના શબ્દ તેના મ્હોંમાંથી તુટક તુટક તથા વગર અર્થના નીકળતા. તેના બોલવામાં કોઈ સંબંધ ન હતો. ઘણા જ ક્રોધમાં આવેલાં માણસો જેમ તુટક તુટક વાક્યો વાપરે છે તેવાં વાક્યો તે બોલતી; અને ઘડીએ ઘડીએ મોટી મોટી ચીસ પાડવી અથવા ઘાંટો કાઢી પોક મુકીને રોવું એ સિવાય તેના જુસ્સાવડે તેનાથી વધારે થઈ જતું હતું, જ્યારે તેને ઘણો આવેશ આવતો ત્યારે તે બે હાથે પોતાના માથાના નિમાળાની લટ જોરથી તોડી નાંખતી; તેનાં પહેરેલાં લુગડાં ફાડી નાંખતી; માથું તથા છાતી એટલા જોરથી કુટતી કે તેઓ આવા ઘાની સાથે સલામત શી રીતે રહેતાં એ જ આશ્ચર્યકારક હતું. પણ એટલાથી તેને નિરાંત વળતો નહી. વખતે વખતે તે ઉઠીને દોડતી, અને ભીંતની સાથે ઘણા જોરથી પોતાનું માથું અફાળતી. પોતાના ઓઠ દાંતવડે એવા તો કરડતી કે તેમાંથી લોહીની ધાર ચાલતી. તેના માથામાંથી નીકળતા લોહીથી સઘળાં કપડાં ખરાબ થઈ ગયલાં હતાં, તથા ઓઠમાંના લોહીથી તેનું મ્હોં રક્તવર્ણ થઈ ગયું હતું. તેનું આખું શરીર થરથર ધ્રુજતું હતું; અને તેનામાં કોઈ જીન ભરાયો હોય એવી તે દેખાતી હતી. ઘણા દુઃખથી તે બીચારીનું મગજ ઉધુંચતું થઈ ગયું હતું, અને તે દુનિયાના તેમ જ પોતાના મનને મરી ગયેલા જેવી હતી. તેનામાં જીવ તો હતો, પણ તેના મન ઉપરથી તેનો સઘળો અખતિયાર જતો રહ્યો હતો, એટલે જીવવાનું કાંઈ ફળ રહેલું ન હતું. એ સઘળી હકીકત ધ્યાનમાં લેશો, અને ઉપર બ્યાન કીધા પ્રમાણેની એક બઈરી તમારા