પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૮ )

જેમ આપ વધારે દોલત એકઠી કરશો, તેમ આપના દરબારને તથા રાજ્યને વધારે શોભા મળશે.”

પાદશાહ - જે સિપાઇ હાજરીની વખતે ગેરહાજર રહે છે તેને ત્રણ વર્ષ સુધી એકેક મહીનાનો પગાર હું અટકાવું છું. જે શખ્સ બંડ ઉઠાવે છે તેની હું જડમૂળથી નસલ કાઢું છું તથા ગમે તે દેશમાં તેઓની સ્થાવર અથવા જંગમ મિલકત હોય તો હું તુરત જપ્ત કરું છું. શું, તમારો અભિપ્રાય એવો છે કે વ્યભિચારી, ચોર, છાકટા લોકોને દંડવા મુનાસિબ નથી ?

આ સાંભળીને કાઝી તો થરથર ધ્રુજવા લાગ્યો, તથા રાજાની રીતભાત, બોલવાનો જુસ્સો, તથા મ્હેાંની શિકલ જોતાં જ તેણે ઉઠી નાસવા માંડ્યું, પણ જયારે ઉમરા આગળ ગયો ત્યારે ઉભો રહી ત્યાં પાદશાહને પગે પડ્યો, અને ઉઠીને બોલ્યો કે “જહાંપનાહ જેટલું કરે છે તેટલું શરેહથી ઉલટું છે.” એટલું કહેતાં જ લાગલો નાસી ગયો. તેણે ઘેર જઈ વસિયતનામું કીધું, અને ખુદાતાલાની બંદગી કરી મન શાંત રાખી જલ્લાદની રાહ જોતો બેઠો, પણ તેની દેહેશત પ્રમાણે કાંઈ બન્યું નહીં. પાદશાહ કાઝીનું બોલવું તથા આવી રીતે એકદમ નાસી જવું જોઈને ઘણો તાજુબ તથા ગુસ્સો થયો તો ખરો, તોપણ તેણે જેટલું કહ્યું તેટલું સાચા દિલથી તથા ઈશ્વરનો ડર રાખી કહ્યું તેટલા જ ઉપરથી પાદશાહને ઘણી રેહેમ આવી, અને તેણે જ્યારે તે કાઝીને બોલાવી મંગાવવાને એક માણસ મોકલ્યું ત્યારે દરબારી લોકો ઘણા ભય પામ્યા, અને આગળ શું થશે, એ વાતની તેઓને ભારે ફિકર પડી.

કાઝી સાહેબ કાંપતા કાંપતા પાદશાહની હજુરમાં આવી ઉભા રહ્યા, પણ પાદશાહે તેના ઉપર ક્રોધની કાંઇ નિશાની દેખાડવાને બદલે તેને આદરમાન આપ્યું, તથા સત્કાર કીધો, તે જોઈ તે તથા બીજા અમીર ઉમરાવો ઘણા આશ્ચર્ય પામ્યા. કાઝી સાહેબને એક જરીનો જામો તથા એક હજાર તનખાની એક થેલીનો સરપાવ થયો; અને એ કીમતી બક્ષીસ આપતી વખતે અલાઉદ્દીન નીચે પ્રમાણે બોલ્યો: