પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૪ )

૨ગદોળાયા, જેઓ સવામણની તળાઇ ઉપર સુતા, જેએાને ચંપી કરનાર ખિદમતગાર હતા, જેઓને વા નાંખનાર ચાકરો હતા, સારાંશ જેએાને કોઈ દહાડો ઉનો વા લાગેલે નહીં તેઓ હમણાં ધુળ ઉપર પડેલા હતા, તથા તેઓનાં આખાં શરીર ઉપર એટલી તો ચંપી થતી હતી કે હવે ફરીથી તેઓના જન્મારામાં તેઓને ચંપી કરનારાઓનો ખપ પડવાનો ન હતો.

અત્યાર સુધી શાહજાદાના હાથીને તેના માવતે તથા બીજા ચાકર નફરોએ એવો જોરથી પકડી રાખ્યો હતો કે તેના ઉપર આગના ગોટા પડતા તો પણ તેનાથી એક તસુ પણ ખસાતું નહતું. શાહજાદાના કીમતી પોશાકમાં ઠેકાણે ઠેકાણે બાકાં પડ્યાં, અને આસપાસના લોકોની મહેનત ન હોત તો તે પણ બળીને કોયલો થાત. પણ એ પ્રમાણે ઘણી વાર નભ્યું નહી. એક મોટો આગનો ગોળો હાથી ઉપર પડતાં જ તે ગાંડો થઈ ગયો અને એટલું જોર કરીને આગળ ધસ્યો કે બીજા લોકો સઘળા પાછળ પડી ગયા, હાથીએ છુટાં થતાં જ માવતને સુંઢવતી લોકોની વચ્ચે ઉડાવી દીધો. પછી સ્વતંત્ર થઈ લોકોમાં તેણે દોડવા માંડ્યું, તેથી ઉપરને મેઘાડંબર ઢીલો પડી ગયો, અને હમણાં પડશે, એમ દેહેશત લાગવા માંડી. શાહજાદાનાં કપડાં સળગવા લાગ્યાં અને ત્યાં કોઈ મદદગાર ન હોવાથી તેનું આવું અકાળ મૃત્યુ નિશ્ચય આવ્યું એમ સૌને જણાયું, પણ જેને સાહેબ રાખનાર તેને કોણ મારી શકે ? શાહજાદો ગભરાયો તો ઘણો, જો ઉપર બેસી રહે તો બળીને મરે એ નક્કી, જો ભુસકે મારી નીચે પડે તો ભીડમાં કચરાઈમરે એ પણ નિશ્ચય. આવે વખતે જ્યારે સૌસૌને પોતાના જીવની ફિકર પડેલી તે વખતે શાહજાદો અને ફકિરજાદો બંને એક બીજાને મન સરખા, હમણાં મારી કોઈ સંભાળ લેવાનું નથી, એવો વિચાર કરી પરમેશ્વરની તેણે બંદગી કીધી, પણ તે કરવામાં જ તેનાં લુગડાં ફરીથી સળગ્યાં, અને તે બળતું તેના શરીર ઉપર ઝડપથી પથરાતું હતું એટલામાં એક જુવાન શખસ ભીડમાંથી ઘણું જોર કરી બહાર નીકળ્યો, હાથી આગળ ગયો, અને કેટલાએક લેાકેાના ખભા ઉપર ઉભા રહી એક છલંગ મારી તેણે શાહજાદાને પકડી લીધો,