પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૯ )

થયા, પણ કોની માએ શેર સુંઠ ખાધી હોય કે તે ડુબતી બઈરીને બહાર કાઢે. બાબરા ભૂતે તેને ફેંકી દીધેલી એટલે કુવામાં ઉતરવાની કોઈની હિંમ્મત ચાલે નહીં. એટલામાં ત્યાં એક રજપૂત સવાર આવી પહોંચ્યો. તેણે આ વાત સાંભળતાં જ પોતાના હાથમાં એક સવામણનો ભાલો હતો તે તેની સાથેના એક માણસને આપ્યો, પોતાનાં લુગડાં ઝટ વારમાં કાઢી નાંખી કુવામાં ઉતરી પડ્યો, અને સહેજ વારમાં તે બઇરીને હસહસતી લઈ ઉપર આવ્યો. આ રજપૂતનું પરાક્રમ જોઈ સઘળાએ ઘણા વિસ્મિત થયા, અને તે જીવતો બહાર નીકળ્યો તેથી તેઓ ઘણા હરખાયા. તે બઇરીનો ધણી તથા તેનાં માબાપ તે જગાએ આવી પહોંચ્યાં હતાં, તેઓએ તે રજપૂતનો ઘણો ઉપકાર માન્યો, અને તેને પણ પોતાને ઘેર પરોણા દાખલ તેડી ગયાં. રજપૂતને પણ કોઈ ઉતારો શોધવો જ હતો તેથી તેણે તેઓને ઘેર જવાનું કબુલ કીધું, અને લોકો સઘળા તે જગાએથી વેરાઈ ગયા.

તે બઈરીને ઘેર પહોંચ્યા પછી પેલો રજપૂત સવાર ઘણાં ઉંડા વિચારમાં પડ્યો. કરણ રાજાને શી રીતે મળવું, એ વિષે કાંઈ તદબાર શોધી કાઢવામાં તેનું મન હમણાં લાગેલું હતું, ઘરધણીએ રસોઈ તૈયાર કરાવી તેને જમવાની વિનંતિ કીધી; અને જમતાં જમતાં પોતાના પરોણા આગળ હમણાં થોડા દહાડામાં થયલી સઘળી હકીકત વિગતવાર કહી સંભળાવી. બાબરો ભૂત જે શેહેરમાં ખરાબી કરતો હતો, તથા રાજાની કુલારાણીને તે વળગેલો હતો, એ વાત તેણે વિસ્તારીને કહી. રજપૂત આ સઘળું સાંભળી ઘણો હરખાયો, અને કોઈ મોટું પરાક્રમ કરી રાજાની નજર તળે આવવું, અને પછી પોતાની સઘળી વાત તેની આગળ કહેવી એવો તેણે ઠરાવ કીધો. બાબરા ભૂતને મારી, ફુલારાણીને તેના જુલમથી બચાવવી, એ જ કામ હમણાં તેને કરવા લાયક હતું, માટે ગમે તે ઉપાય કરવાનો તેણે નિશ્ચય કીધો. પણ તે થાય શી રીતે ? તે નાનપણમાં એક ભૂતનો મંત્ર શીખેલો હતો, અને તે ખરો છે, એમ તેણે ઘણીએક અજમાયશથી નક્કી કર્યું હતું, પણ તેણે તે ઘણી મુદત થયાં