પૃષ્ઠ:Karanghelo.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૧ )

પોતાના બાપના હાથમાં પાણી મૂકયું, અને વચન આપ્યું કે હું તમારી આજ્ઞા પાળીશ. આ વાત સાંભળતાં જ વેહિયાસ દેવલોક પામ્યા. જ્યારે ત્રયોદશાનો દહાડો પાસે આવ્યો ત્યારે કેસરે પોતાના બાપનો શોક મુકી દીધો; પાઘડી બાંધી, અને પોતાનાં સગાંને સામૈયુ નગરની સામા લડવા જવાને બોલાવ્યાં, પણ કોઇ આવ્યું નહી. કેટલાએક બોલ્યા કે તારાં જેવા આજકાલના છોકરા સાથે જાણી જોઇને મરવા કોણ આવવાનું છે ? જ્યારે સઘળાએાએ એ પ્રમાણે ના કહી ત્યારે કેસર જરાપણ નાહિંમત થયો નહી. તેણે પોતાના જ સામર્થ્ય ઉપર વિશ્વાસ રાખ્યો; કેહેવત છે કે “આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં.” તેના હાથ એટલા તો લાંબા હતા કે તે તેના ધુંટણની નીચે પહોંચતા; તે સવામણ વજનનો ભાલો એક હાથે પકડતો; તે ધનુષ્ય બાણ નિરંતર બાંધી જ રાખતો; અને તેને બેસવાનો ઘોડો વિષ્ણુના ગરૂડ જેવો હતો. તેણે સામૈયું ઉપર ચઢાઈ કીધી, અને ત્યાંથી સવાસો ઘોડા લઇ આવ્યો, અને પોતાના બાપના તેરમાને દહાડે ભાટોને આપી પોતાનો બોલ પાળ્યો. આ પરાક્રમ કીધા પછી કેસરે રાજ્ય જોશીને બોલાવી મંગાવ્યા, અને પોતાનું આવર્દા પૂછયું. જોશીએ તેની જન્મોત્રી તપાસી ઘણી દિલગીરીથી કહ્યું કે તમારૂં આયુષ્ય ટુંકું છે. આ સાંભળી કેસર બોલ્યો કે જો હું મારા ઘરના ખુણામાં મરી જઈશ તે મને કોઈ ઓળખશે નહીં, પણ જો હું યુદ્ધમાં પડીશ તે મારૂં નામ પ્રસિદ્ધ થશે. એવું વિચારી તેણે ફરીથી સામૈયુ ઉપર ચઢાઈ કીધી, અને મેની નદી આગળ હમીરનાં સાતસેં ઉંટ ચરતાં હતાં તે સઘળાંને લઈ ગયો, અને કિરંતીગઢનાં ભાટોને વેંહેંચી આપ્યાં. આટલું આટલું કીધા છતાં પણ હમીરને કાંઈ ગુસ્સો લાગ્યો નહી, તથા તેણે વેર લેવાને કેસર ઉપર લશ્કર મોકલ્યું નહીં. જ્યારે તે આ સઘળું અપમાન ધીરજથી ખમી રહ્યો અને 'ધોલ મારી તો ધુળ ઉડી ગઈ' એમ માન્યું, ત્યારે કેસર ત્રીજીવાર લડવાને નીકળ્યો. જે દહાડે તે સામૈયું નગર આગળ પોંહોંચ્યો તે દહાડો દસેરાનો હતો માટે હમીરની વહુ તથા છોકરી રથમાં બેશી એશઆરામ કરવાને બાગમાં જતી હતી. કેસર તે બાગમાં પેસી