પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૪ )

છું તે ખુબ યાદ રાખજો. તે તમને ઘણી કામ લાગશે, અને જો નહી માનો તો કદાપિ તમારા મંત્ર છતાં પણ તમારો જીવ જશે. તે શિખામણ એ છે કે જો બાબરો ભૂત તમારી સાથે બહાર નીકળી લઢવા આવે તો તુરત તેની ચોટલી પકડી લેજો, એટલે તેનું જોર કાંઈ ચાલશે નહી, અને તે તમને તુરત વશ થશે.

બીજે દહાડે સવારે તેઓ ઉઠ્યાં, અને રસોઈ કરી બંનેએ મિષ્ટાન્ન લીધાં. પછી તેઓ બેઠાં હતાં એટલામાં શેહેરમાં બુમ ચાલી કે ફુલારાણીને બાબરો ભૂત વળગ્યો છે, અને તે ઘણું તોફાન કરે છે. હરપાળ એ સાંભળીને તુરત ઉઠ્યો, અને એક હિન્દુસ્તાની માણસના જેવો પોશાક પહેરી રાજમહેલમાં જવા નીકળ્યો. શક્તિએ તેને આશીર્વાદ દીધો, અને ચોટલી પકડવાની વાત તેને ફરીથી યાદ દેવડાવી. કરણના મહેલમાં કોઈપણ ભુવાને જવાને કાંઈ હરકત પડતી નહતી, તેથી હરપાળ વગર અડચણે માંહેના મહેલમાં દાખલ થયે, અને જે ઓરડામાં કરણ બેઠો હતો ત્યાં જઈ તેણે રાજાને જુહાર કીધો. કરણે તેને તેનું નામ, ઠામ ને કામ પુછતાં જ તે બોલ્યો: “ મહારાજ, હું લખનેર શહેરનો ભુવો છું, હું સઘળા જંત્રમંત્રમાં પ્રવીણ છું. હું મારણ, મોહન, વશીકરણ, ઉચાટણ, સતંભન, આકર્ષણ, વગેરે ઘણીએક મેલી વિદ્યામાં કુશળ છું. હું બુદ્ધિકેદારનાથથી તે સેતુબંધ રામેશ્વર સુધી અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી સઘળા ભરતખંડમાં ફરી આવ્યો છું, મેં આખી પૃથ્વીના મુખ્ય મુખ્ય જાદુગરો તથા ભુવાઓ સાથે મેળાપ કીધેલો છે, અને તેઓ સઘળાના મંત્ર હું જાણું છું. પણ તેટલાથી હું સંતોષ પામ્યો નથી. સઘળે ઠેકાણે પ્રવાસ કીધા પછી હું છેક પૂર્વમાં કામરૂદેશના સ્ત્રીઆ રાજ્યમાં જઈ પહોંચ્યો. ત્યાં મને ત્યાંની રાણીએ રાખ્યો. દહાડે પોપટ અને રાત્રે પુરૂષને આકાર રોણું સાથે ત્રણ વર્ષ રહ્યો અને ત્યાંથી સર્વોત્કૃષ્ટ, મંત્ર શાસ્ત્ર શીખી લાવ્યો, હું ત્યાંથી છળ ભેદ કરી નાસી આવ્યો, અને આપના રાજ્યમાં ફરતો હતો એટલે મેં બાબરા ભૂતની વાત સાંભળી. ગુજરાત સરખા મોટા રાજ્યમાં એવો એક ભૂત કાઢનાર કોઈ ઈલમી આટલા દહાડા થયાં મળતો નથી તે જોઈને મને ઘણું આશ્ચર્ય લાગ્યું,