પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૫ )

અને તમારા, તમારી ફુલારાણી, તથા નગરના સઘળા રેહેવાસી ઉપર ઘણી દયા આવી. હું ઈહાં આવ્યો, અને ભૂતનો નાશ કરવાને હું આપની હજુરમાં આવ્યો છું, માટે મને મારી વિદ્યા અજમાવવા દેશો તો હું એક પલકમાં તે ભૂતની નસલ કાઢીશ.”

કરણ આ જાદુગરની વાત સાંભળીને દિંગ થયો, અને અત્યાર સુધી કોઈ આવો ભુવો આવ્યો નથી, તથા તે બાબરા ભૂતને કાઢશે જ એમ જાણીને તેનું સન્માન કીધું, અને તેને ફુલારાણીના ઓરડામાં લઈ જવાને ચાકરોને હુકમ કીધો, હરપાળ ત્યાં ગયો, ને જોયું તો આસરે સો બ્રાહ્મણો હારબંધ બેસી ચંડીપાઠના મંત્ર ભણતા હતા, બીજા ઓરડામાં ઘણાક હિન્દુ તથા જૈન ભુવા, જતિઓ ધંતરમંતર કરતા હતા, પણ તેઓમાંથી કોઈની ફુલારાણીના ઓરડામાં જવાની છાતી ચાલતી નહતી. હરપાળને જોઈ સઘળાએાએ પોતપોતાનું કામ મૂકી દીધું. અને કોઈ મોટો ઇલમી હિંદુસ્તાનથી આવ્યો છે તે એ જ છે, એમ જાણી તે શું કરે છે તે જોવા તેની પાસે તે સઘળા આવી ઉભા રહ્યા. હરપાળે ઘણી હિંમત ધરી ફુલારાણીના ઓરડાનાં કમાડ ઉઘડાવી નાંખ્યાં, અને માંહે જોયું તે તેને ખાટલા ઉપર બેઠેલી દીઠી. તેની આંખ લાલ હિંગળોક વર્ણી હતી, તથા તે એવી સ્થિર એકી નજરે જોયાં કરતી હતી કે તેનાં પોપચાંનો પણ પલકારો થતો નહતો. તેનું મ્હોડું ફિકું અને બીહામણું થઈ ગયું હતું. અને તેનું રૂપ એવું તો ઉગ્ર દેખાતું હતું કે આ વખતે તે શક્તિ દેવીના જેવી લાગતી હતી. તેની કાન્તિ ઘણી જ નાજુક હતી, તથા તેની વય આસરે વીશેક વર્ષની હશે, એમ અટકળથી લાગતું હતું, આવી રીતે તેને બેઠેલી જોઈ હરપાળને હિંમત આવી, અને તેણે થોડાક અડદના દાણા હાથમાં લઈ મંત્ર ભણી તેના ઉપર છાંટ્યા. જેવા તે દાણા ફુલારાણી ઉપર પડ્યા કે તે જ વખતે તેમાં ભરાયલે ભૂત જાગૃત થયો, અને એક છલંગ મારી એવા જોરથી તે ભોંય ઉપર પડ્યો કે સઘળી જમીન ધ્રુજી ગઈ. તેની સાથે તેણે એવી તે મોટી ચીસ પાડી કે તેથી આખો મેહેલ ગાજી રહ્યો, અને શહેરના પણ ઘણાએક ભાગમાં તે સંભળાઈ. હવે વખત બારીક આવ્યો. બાબરો ભુત (હવે આપણે