પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૭ )

કુદવા, તથા બરાડા પાડવા લાગ્યો. હરપાળે ત્રીજી વાર અડદના દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા એટલે તે પાછો ગાંડો થયો, અને ઘણા જુસ્સાથી આવી તેણે તેનું ગળું દાબ્યું. બંને જણા ભોંય ઉપર પડ્યા, ત્યાં શોરબકોર થઈ રહ્યો, તેઓ બંને જમીન ઉપર ગબડ્યાં; અને વખતે એક ઉપર અને વખતે બીજો ઉપર એમ ઉથલપાથલ થવા માંડી. આટલી વાર સુધી તે બાબરો રમત કરતો હતો, તેણે તેનું પૂરું જોર અજમાવ્યું નહતું. પણ હવે જ્યારે મારામારી ઉપર વાત આવી, અને લડાઈ બંધ કરવાને ઘણું સમજાવ્યા છતાં હરપાળે માન્યું નહીં, ત્યારે બાબરો ઉભો થયો, તેણે હરપાળને પોતાના એક હાથમાં ઉંચકી લીધો અને તેને ભોંય ઉપર પછાડી મારી નાંખવાની ધમકી આપી. હરપાળ કાંઈ બીધો નહીં, તે હવામાં ઉંચો ઉછળ્યો, અને ભોંય ઉપર પછડાવાની તૈયારીમાં હતો એટલે તેણે ચાલાકીથી તેનો હાથ પકડી લીધો, અને તેના શરીરને બાથ ભીડી દીધી, હવે બાબરાએ તેનું ગળું પકડ્યું, અને તેને એવા જોરથી દાબ્યું કે તેને પ્રાણ તત્કાળ નીકળી જાત, પણ આ વખતે તેને શક્તિની શિખામણ યાદ આવી, અને તેણે મહા મહેનતે એક છલંગ મારી બાબરા ભૂતની ચોટલી જોરથી હાથમાં પકડી લીધી, તે જ ક્ષણે બાબરો નરમ ઘેંસ થઈ ગયો, વાઘનો એકદમ બકરી થઇ ગયો; તે એક ગરીબ ગાયની પેઠે ઉભો રહ્યો. 'છોડચોટલી' એટલું જ તેનાથી બોલી શકાયું, હરપાળને હવે જીવમાં જીવ આવ્યો, અને બાબરો અંતે જીતાયો એ જોઈને તેના હૈયામાં હર્ષ માયો નહી. બાબરા સામું જોઈ તે બોલ્યોઃ-“હવે નીકળો બચ્ચા ! હવે ખરેખરા દાવમાં આવ્યા છો. હવે સપડાઈ ગયા છો, માટે શરણ થાઓ.” બાબરો છેક લાચાર થયો, અને દેશ છોડી જતાં રહેવાનું કબુલ કીધું, પણ હરપાળની મરજી તેને ગુલામ કરી લેવાની હતી માટે તે બોલ્યો કે જો મારાં સઘળાં કામમાં મારે જ્યારે તારી સહાયતા જોઈએ તે વખતે તુરત હાજર થઈ મને સહાય થવાનું વચન આપે તો જ હું તને જવા દેઊં. બાબરાએ એ શરત કીધી કે જ્યારે તું મને કાંઈ કામ સોંપશે નહી ત્યારે હું તને ખાઈ જઈશ. હરપાળે કહ્યું, 'કબુલ..?' પછી તેણે એક સીસો મંગાવી તેમાં ઉતરવાનું બાબરાને કહ્યું. હવે