પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૬ )

જોશીઓનાં ટોળે ટોળાં આવતા હતાં, અને તે લોકોની કમાઈ તે વખતમાં એટલી તો વધી ગઈ હતી કે સઘળા બ્રાહ્મણો તથા જતિઓનું મન બીજી વિદ્યાઓ પડતી મુકી જ્યોતિષ શાસ્ત્રનો થોડો ઘણો અભ્યાસ કરવા ઉપર દોડ્યું. તેની જન્મોત્રી જોવાતાં જોવાતાં, તથા ઘણાએકના હાથમાં જવાથી ફાટીને ચીથરા જેવી થઈ ગઈ, અને અગર જો કોઈ વૈદ્ય અથવા સુરઈયો તે ફાટેલા કાગળને વાસ્તે એક પૈસો આપતાં પણ આચકો ખાય, તો પણ જોશીએાએ સ્વાર્થરૂપી ચસ્માં તેઓની આંખે પહેરેલાં તેથી તેઓને તો તે ચીથરીયા કાગળના કટકામાં કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ, રાજા કરણ જેટલી ઉદારતા, રાજા વિક્રમ જેટલો પરોપકાર, યુધિષ્ટિર જેટલી સત્યતા, ભીમ જેટલું અંગબળ, અને અર્જુન જેટલું પરાક્રમ દેખાતું હતું. જયારે ઘણા માણસો એકની એક જ વાત એક માણસને કહ્યા કરે ત્યારે તે છેતરાઈને સાચું માને એમાં કાંઈ ઘણું આશ્ચર્ય નથી. દુનિયામાં ઘણીએક વાતો ઘણાના કહેવા ઉપરથી જ સાચી મનાય છે, ત્યારે જેઓ જ્યોતિષ શાસ્ત્ર સાચું માને, તેઓ આવા આધાર ઉપરથી કહેલી વાત સહેલથી માન્ય કરે એમાં શી નવાઈ ? વળી જે વાત આપણને અનુકૂળ હોય તથા માનવી ગમે તે ઉપર, પ્રતિકૂળ તથા માનવાને અણગમો થાય એવી વાત કરતાં આપણો વધારે જલદીથી વિશ્વાસ બેસે છે, તેથી કરણ રાજાએ જોશીઓના કહેવા ઉપર ભરોસો રાખ્યો, તથા તેઓનાં વચન સાચાં માનીને ખોટી અાશાથી તેણે પોતાના મનને દિલાસો આપ્યાં કીધો, અને મહારણમાં થાક તથા તરસથી કષ્ટાતો મુસાફર મૃગજળ જોઈને પાણીની આશા રાખી ચાલ્યો જ જાય છે, તેમ કરણ રાજાએ આગળ ઉપર સારાની ઉમેદ રાખી સંસારરૂપી પ્રવાસમાં શાંત મનથી ચાલવાનો નિશ્ચય કીધો.

પણ કરણના અંતઃકરણમાં પશ્ચાત્તાપનો કીડો હજી જીવતો હતો. તે તેને નિરંતર કોતરી ખાતો હતો, તથા દુષ્ટ કર્મનો અગ્નિ તેનામાં હોલવાયો ન હતો. તે તેના શરીરને બાળ્યાં જ કરતો હતો. તેનો ઉપાય જોશીઓના હાથમાં નહતો, જોશીઓનું કામ ભવિષ્ય કાળને લગતું