પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૩ )

તેથી હું તો તે જ ધર્મ પાળીશ. મારે જૈનધર્મનું કાંઈ કામ નથી. સઘળા ધર્મ ખરા છે, જે ધર્મમાં આપણે અવતર્યા હોઈએ તે જ જે બરાબર પાળીએ તો પરમેશ્વર પ્રસન્ન થાય.”

જતિઓથી પોતાનું ધારેલું કાર્ય સિદ્ધ થયું નહી તેથી તેઓ દિલગીર તથા ઉદાસ થઈને ઉઠ્યા, અને આવી ખાતરી કરી આપે એવી તેઓની તકરાર છતાં પણ રાજાના મન ઉપર કાંઈ અસર થઈ નહી, તેથી તેની અતિ સ્થૂલ બુદ્ધિ ઉપર અફસોસ કરીને ઘેર ગયા. મોતીશાનું લોહી પણ ઉડી ગયું, અને જે જતિયો ત્યાં મળેલા હતા, તેઓની મૂર્ખાઈને ધિક્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો, બ્રાહ્મણોએ એ પ્રમાણે જય મેળવ્યો તેથી તેઓનો હર્ષ માતો નહતો. રાજાએ તે જ વખતે જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઉતરાવી નાંખવાની આજ્ઞા કીધી, અને તેમ કરી આવા બારીક વખતે તેણે તેની રૈયતના મોટા ભાગનું મન ઉંચું કીધું. બ્રાહ્મણોને મોટી મોટી દક્ષિણા આપી, અને તેઓએ તેને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવ્યું. પછી રાજા રૂદ્ર મહાકાળેશ્વરનાં દર્શન કરવા પગે ચાલતો નીકળ્યો, રસ્તામાં થોડેક આગળ ચાલે છે એટલામાં એક ટોળું જોઈ તે અટકયો. અને આ ભીડ શાથી થઈ છે તેની તજવીજ કરવાને તે ત્યાં ઉભો રહ્યો, તપાસ કરતાં તેને માલમ પડ્યું કે જે વાણિયાના ઘર આગળ લોકો મળ્યા હતા તે વાણીયાએ પોતાનો એક છોકરો પરણાવવાને બે હજાર રૂપિયા જેઠાશા શાહુકાર પાસેથી લીધા હતા. એ વાણિયોયે ઘણો વિષયી હતો તેથી તેણે ઘણાનું દેવું કીધેલું હતું, અને તે સઘળું વાળવા જેટલી તેની પાસે મિલકત નહતી, તેથી જેઠાશાએ તેને બે હજાર રૂપિયા ધીરતાં આચકો ખાધો. હવે છોકરો તો પરણાવવો જોઈએ, અને તેમાં ખરચ પણ ન્યાતમાં મોટાઈ મેળવવાને વાસ્તે સારો કરવો જોઈએ, તેથી તે વાણિયો કોઈ સારો જામીન શોધવા નીકળ્યો, પણ કોઈએ તે દેવાળીયાની બાંહેધરી કીધી નહી; ત્યારે તે લાચાર થઈને એક ભાટ પાસે ગયો, અને તેને જામીન થવાને વિનંતિ કીધી. ભાટ લોકોનો પૈસા કદી ખોટા થતા નથી, તથા તેઓ ગમે તે ઉપાયથી પિતાનું માગણું વસુલ કરી શકે છે, તેથી ભાટે જામીન થવાને કબુલ કીધું,