પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૯ )

ગમે તે પોતાના દેશ ઉપર રાજ્ય ચલાવે તોપણ તેની મુખ્ય મતબલ પાર પડે એટલી જ તેને ખુશી હતી. વળી તેને રાજ્યકારભાર મળવાની પણ ઉમેદ હતી, તેથી તે ઘણીએક વખતે ઉમંગમાં દેખાતો હતો. છાવણી બીજે દહાડે સવારે ઉઠવાની હતી તેથી અલફખાં, નુસરતખાં, તથા માધવ એ ત્રણે રાત્રે નવ કલાકે મસલત કરવા બેઠા હતા.

અલફખાં – માધવજી, તમારા ધાર્યા પ્રમાણે કરણ રાજા કેટલું લશ્કર એકઠું કરશે ? પાટણ જતાં સુધી રસ્તામાં કાંઈ અડચણ નડશે કે નહીં ? તે બહાર નીકળીને લડાઈ કરશે કે શેહેરના દરવાજા બંધ કરી કિલ્લામાં ભરાઈ બેશી રહી શેહેર આગળ આપણને રાહ જોવડાવશે ? તમે રાજાની ચાલથી, કિલ્લાની મજબુતીથી, ઈહાંના લોકોની બહાદુરીથી, તથા રાજાના લશ્કર તરફનું કેટલું જોર છે એ સઘળાથી વાકેફ છો, માટે તમારાથી એ ખબર પાકી મળશે.

માધવ – કરણ રાજા મારો કટ્ટો વેરી છે, તેણે મને બધી રીતે પાયમાલ કરી નાંખ્યો છે; તોપણ તે બહાદુર નથી એમ મારાથી કહી શકાતું નથી. રજપૂત લોકોમાં શૂરાતનની કાંઈ કસર હોતી નથી, તે પ્રમાણે કરણમાં પણ શૌર્ય ઘણું છે. તેનામાં ભયનું તો નામ જ નથી, તે ભયને ઓળખતો જ નથી; લડાઈથી તે ઘણો આનંદ પામે છે, અને અગરજો હજુ સુધી તેની હિમ્મત કોઈ પણ લડાઈમાં કસાયલી નથી, અગરજો તેની સઘળી બહાદુરી હજૂ સુધી તેના શબ્દોમાં જ રહેલી છે, કંઈ કામમાં વપરાયલી નથી, તોપણ જ્યારે પ્રસંગ પડશે ત્યારે તે નામરદ ઠરવાનો નથી, તેની બહાદુરીનાં આપણને પણ વખાણ કરવા પડશે. પણ પરમેશ્વરની મેહેરબાનીથી તેનામાં જોઈએ તે કરતાં પણ વધારે શૂરાતન છે તેથી જ્યારે આપણું લશ્કર ગુજરાતમાં પેંસશે, તથા પાટણથી થોડેએક દૂર આવી પહોંચશે, એટલે તે લડાઈ કરવાને એટલો બધો આતુર થઈ જશે કે પાટણનો મજબુત કિલ્લો મૂકી બહાર મેદાનમાં યુદ્ધ કરવાને નીકળશે, એટલે કિલ્લાને ઘેરો ઘાલવાની મહેનત આપણને કરવી પડશે નહી. શેહેર