પૃષ્ઠ:Karanghelo.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૧ )

રાખ્યો ન હતો. બહારના જુદા જુદા સ્વતંત્ર રાજાઓના સંધિવિગ્રહિક લોકોએ પોતાના રાજાઓને લખવાને કબુલાત આપી હતી; પણ એવા સાતપાંચની મદદથી લડાઈમાં જય મેળવવો એમાં કાંઈ પ્રતિષ્ઠા નહી, તેમ જ લડાઈમાં બહાદુરી બતાવી પોતાનું નામ અમર કરી લેવાની કરણ રાજાની ઇચ્છા હતી, અને જો બહારથી સહાયતા આવે તો તે ઇચ્છા પાર પડે નહી, તેથી તે સંધિવિગ્રહિક લોકોનો ઉપકાર માની તેઓની તરફની મદદ લેવાની તેણે ના કહી હતી. રાજા કરણ ઘણા જ ઉમંગમાં હતો. તેની સર્વ શક્તિઓ જે આજલગી વાપરવામાં ન આવ્યાથી નિદ્રાવશ થઈ ગઈ હતી, તે સઘળી હવે જાગૃત થઈ. રાજ્યકારભારમાં તેની સુસ્તી જણાતી હતી તે હવે ઉડી ગઈ. જેમ માછલી પાણીમાં, પક્ષી હવામાં, તથા ભૂચર પ્રાણીઓ જમીન ઉપર જ પોતપોતાનું બળ બતાવી શકે છે, પણ તેઓને તેમની નીમેલી જગામાંથી બહાર કાઢ્યાં એટલે તેઓ નિર્બલ દેખાય છે, તેમ જ્યારે હમણાં લડાઈનો પ્રસંગ આવ્યો ત્યારે જ કરણ રાજાનું ખરું રૂપ પ્રકાશી નીકળ્યું. તેણે લડાઈની સર્વ તૈયારી ધમધોકારે કરવા માંડી, અને તે કામમાં તેણે આખો દહાડો અને રાતનો ઘણોએક ભાગ જાતે મહેનત કીધી, પછી મુસલમાન લોકોનું લશ્કર પાટણની પાસે આવતું જાય છે એમ જાણી તેઓની સાથે લડવા જવાને શહેરમાંથી જલદી કુચ કરવી એવો તેણે ઠરાવ કીધો, પોતાનો મનસુબો અમલમાં લાવતાં પહેલાં તેણે પોતાના સઘળા મંડળેશ્વર તથા મુખ્ય સામંત સરદારોની એક સભા કીધી, તેમાં કેવી રીતે લડાઈ કરવી, તથા રાજ્યનો બચાવ શી રીતે કરવો તે વિષેનો પ્રશ્ન કીધો. તે વખતે સઘળા વૃદ્ધ અને શાણા સરદારોએ તેને સલાહ આપી કે મંડળીક રાજાઓ પોતપોતાનાં લશ્કર લઈને આવે ત્યાં સુધી આપણે પાટણના કિલ્લામાંથી બહાર જવું નહી; એટલા વખતમાં મુસલમાનોનું લશ્કર આવશે; અને શેહેરને ઘેરો ઘાલશે, તો તેઓનો નિશ્ચય નાશ થયો એમ જાણવું. જ્યારે મંડળીક રાજાઓ આવી પહોંચશે ત્યારે તેઓ પાછળથી તેઓના ઉપર હુમલો કરશે, તે જ વખતે આપણે પણ કિલ્લામાંથી નીકળીને આગળથી તેમના ઉપર હુમલો કરીશું, જ્યારે એ પ્રમાણે તેઓ બન્ને તરફથી