પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૩ )

સમડી, તથા ગીધને મોટી ઉજાણી મળશે, તેઓનું આપંણાં ખેતરો તથા વાડીઓમાં સારૂં ખાતર બનશે, અને વળી આવતે સાલ જ્યારે પાક સારો થશે, ત્યારે તેઓને મારવાને જ જાણે પરમેશ્વરે મોકલ્યા એમ માની ખેડુતે ભગવાનને પાડ માનશે. માટે લડવું ને લડવું. કિલ્લામાં ભરાઈ બેસવું નહી, પણ આપણી તલવાર ઉપર તથા સત્યતા ઉપર ભરોસો રાખી રણસંગ્રામમાં ઉતરવું, પછી જે થાય તે ખરું. બાયડીઓની રીત પકડી જીતવું તે કરતાં લડાઈમાં પડવું એ લાખ દરજજે સારૂં છે.”

સામંતોએ રાજાની સઘળી વાત સાંભળી લીધી, તેઓ પણ રજપૂત હતા, તથા તેઓમાં હિંમતની કાંઈ કસર ન હતી, તેથી તેઓનું લોહી પણ લડાઈની વાત સાંભળીને ઉકળી આવ્યું, અને તેએાની તરફથી હરપાળ ઘણા જુસ્સામાં બોલી ઉઠયો: “રાજાધિરાજ ! તમારી સાથે રણસંગ્રામમાં આવવાને અમને જરા પણ ડર નથી, તેમ કરવામાં અમને ઘણી ખુશી છે, પણ જે કામ કરવું તેમાં પાછળથી દુનિયા આપણ સઘળાને મૂર્ખ કહે એ વાતનો વિચાર કરવો જોઈએ. શત્રુની સામે વર્તવાને હિંમતની સાથે ડહાપણ પણ જોઈએ. લડાઈ કરવામાં કાંઈ હરકત નથી; પણ ન કરે નારાયણ ને જો તેમાં આપણે હાર્યા, અને બીજી વાર લડવાની આપણામાં શક્તિ રહી નહી, તો એક સપાટામાં આખું રાજ્ય આપણા હાથમાંથી જતું રહે, અને પછી ગુજરાતના લોકો સદા આપણી કસુર કાઢે, તથા નિરન્તર આપણી નિંદા કર્યા કરે તે ઉપર વિચાર કરી અમે સલાહ આપી. પણ જો તમને તે પસંદ ન હોય, જો તમારી મરજી મેદાનમાં તેઓની સાથે યુદ્ધ કરવાની હોય, તો અમે સઘળા તૈયાર છીએ. જોશીઓને બોલાવી મુહૂર્ત પૂછવું, અને શુભ દિવસે અત્રેથી કુચ કરવી. અંબામા તથા તેત્રીશ કરોડ દેવતાઓ આપણને સહાય થશે.” એમ કહી તે જોરથી ખંખાર્યો તથા સઘળાએાએ પોતપોતાની મુછ ઉપર તાલ દીધી.

જે દહાડાનું જોશીએાએ મુહૂર્ત આપેલું હતું તે દહાડે સવારે રાજા ટોપ તથા બખતર સજીને તથા લડાઈનાં સઘળાં શસ્ત્ર બાંધીને તૈયાર થયો. સઘળા સરદાર તે જ પ્રમાણે તૈયાર થઈ ઉભા રહ્યા.