પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૭ )

ઠેકાણે જીતવું કે મરવું. નાસવાનો કાંઈ લાગ નથી, અને નાસવું શા સારૂ ? શું આપણા સિપાઈઓએ કોઈ ઠેકાણે હાર ખાધેલી છે? શું કાફરોને આપણે હજારો લઢાઈમાં હરાવ્યા નથી ? ત્યારે આ વખત શા સારૂ બીહીવું ? શું કુતરાના ભસવાથી વાઘ ડરે છે ? કદી નહી. માટે રે બહાદુર સિપાઈઓ, આ મુડદાં જેવા લોકો તમારી સામા મરવા આવ્યા છે તેઓને ભાતનાં છાલાંની પેઠે ઉડાવી દો, અને તેઓનો દેશ સર કરી તેઓની અગણિત દોલત તમારે વાસ્તે લઈ લો. જો જો સિપાઈઓ ! ઉપરથી અલ્લાતાલ્લા તથા હઝરત પેગંબર સાહેબ તમારી લડાઈ જોય છે, સઘળા ફિરસ્તાઓ આપણને મદદ કરવાને આવ્યા છે, માટે તેએાએને એબ લાગે એવું કામ આજ કરશે તો કયામતને દહાડે તમારા હાલ ઘણા જ બૂરા થશે.”

મુસલમાન સિપાઈઓનો ધર્મસમ્બન્ધી જુસ્સો બહાર નીકળ્યો તેથી તેઓ “અલ્લા હુ અકબર” એવી મોટી ભયંકર ચીસ પાડી ઉઠયા. તે વખતે કરણ રાજા મોટા આવેશથી બહાર મેદાનમાં આવ્યો, ને અલફખાં તરફ મ્હોડું ફેરવી બોલ્યો “જ્યારે હાથી હાથી લડી મરે છે ત્યારે નાનાં નાનાં ઝાડોનો વગર કારણે ક્ષય થાય છે. તમારા પાદશાહને ગુજરાત લેવું છે અને મારે તે રાખવું છે. પરિણામ જે નિપજશે તેમાં બિચારા સિપાઈઓ ને કાંઈ લાભ થવાનો નથી. ત્યારે તેઓ શા સારૂ માર્યા જાય? માટે તમારામાંથી જે કોઈની માએ શેર સુંઠ ખાધી હોય તો મેદાન પડે. હું ને તે બે એકલા યુદ્ધ કરીશું, જો હું જીતું તો તમારે દેશ છોડી ચાલ્યા જવું, અને હું મરું તો મારું લશ્કર પણ તે જ પ્રમાણે કરશે, અને ત્યારથી આખું ગુજરાત તમારૂં જાણવું.” મુસલમાન લશ્કરમાંથી કોઈએ જવાબ દીધો નહી, તેથી રજપૂત સિપાઈઓએ હર્ષની બુમ પાડી, તે સાંભળી અલફખાં બોલ્યો: “જેવી એ કાફર પોતાની જીન્દગીની કિંમત હલકી ગણે છે તેવી આપણે ગણતા નથી. આપણને આ જહાનમાં મોટાં કામો કરવાને ખુદાએ મોકલેલા છે. તે કામ પાર પાડ્યા વિના આપણે આપણી જીન્દગી વગર જરૂરે ફેંકી દેવી જોઈતી નથી. વળી રાજા મુઆ પછી