પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૮૯ )

હારમાં મોકલી દીધો. રાજાની આવી બહાદુરીથી તેના સામંતો પણ તેવી જ હિંમતથી લડ્યા; અને સાધારણ સિપાઈઓ પણ મરણીયાની પેઠે મોતનો ડર જરા પણ ન રાખતાં પોતાનાં શસ્ત્ર નિર્દયપણે વાપરવા લાગ્યા. મુસલમાન લશ્કરનાં માણસો થાક્યાં; તેઓમાંનાં ઘણાંએકે ધુળ ચાટી; ઘણાંએક જખમી થયાં; પણ રજપૂતો ઉપર કાંઈ અસર થઈ નહીં, તેથી તેઓ હઠીને પાછા પોતાને ઠેકાણે ગયા. થોડી વાર સુધી થાક ખાઈ પાછો તેએાએ ધસારો કીધો, પણ રજપૂત સિપાઈઓ તેઓની ભેટ લેવાને તૈયાર થઈ રહ્યા હતા, અને સૈરન્ધ્રી જાણીને કૈયોકિચક ભીમની સોડમાં ભરાયો હતો તેમ મુસલમાન લોકોને પણ જોઈએ તેવું જ સામા પક્ષથી આદરમાન મળ્યું. પાછું યુદ્ધ પહેલાં પ્રમાણે જ જોરથી ચાલ્યું, પણ કાંઈ થાગ લાગ્યો નહી. સૂર્યદેવતા આ કાપાકાપીથી કંટાળી જઈને તથા પોતાના ભકતોનું દુ:ખ જોઈ કષ્ટ પામીને પશ્ચિમ દિશા તરફથી લાલચોળ મ્હોડું કરી ચાલ્યા ગયા; પૃથ્વી ઉપર અંધકાર પથરાવા લાગ્યો, પક્ષીઓ પોતપોતાના માળામાં જવા લાગ્યાં; તારાઓએ એક પછી એક પોતાનું મ્હોડું બતાવ્યું; કમળનાં ફુલો બંધ થઈ ગયાં, અને જે મુસાફરો ગામમાં તે વખતે આવ્યા તેઓએ ત્યાં જ રાતનો વાસો કીધો. લડનારાઓથી એક બીજાનું મ્હોં જોઇ શકાતું ન હતું;એટલામાં ચંદ્રમાનો પ્રકાશ થયો.અજવાળું તો થોડું પરમેશ્વરની તરફથી આવ્યું, પણ લડવાનું સામર્થ્ય શત્રુઓમાં હમણાં રહ્યું ન હતું તેથી તેઓ પાછા પોતપોતાને ઠામે ગયા, અને રાતે લડાઈ બંધ રાખવાનો તથા સવારે ઝળઝળું થતાં પાછો તેનો આરંભ કરવાનું અલફખાંએ કરણ રાજાને કહેણ મોકલ્યું. રજપૂતો પણ ઘણા જ થાકી ગયલા હતા, તેઓને થોડાએક આરામની ઘણી જરુર હતી તેથી એ પ્રમાણે તેઓએ કરવાનું કબૂલ કીધું.

રાત ચાંદરણી હતી, રૂપાનાં પતરાં જેવું ચાંદરણું ખીલી રહ્યું હતું. પણ તે વેળા જમીન ઉપર કેવો ભયંકર દેખાવ જોવામાં આવતો હતો ! એક મોટા મેદાન ઉપર હજારો માણસ વિક્રાળ મ્હોંવાળાં