પૃષ્ઠ:Karanghelo.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૧ )

તેવા તેઓના શત્રુ હશે એવો વિશ્વાસ રાખ્યાથી તેઓ છેતરાયા. મલેચ્છ તુરકડા મતલબ ઉપર માત્ર નજર રાખતા, તે મતલબ હાંસલ કરવાને ગમે તેવા ઉપાય કરવા પડે તે વિષે તેઓને જરા પણ ફિકર નહતી. જ્યારે રજપૂત સિપાઈઓ ઉપર વર્ણવેલા કામમાં પડેલા હતા તે વખતે ખબર આપ્યા શિવાય મુકરર કરેલા વખતની પહેલાં મુસલમાન સિપાઈઓ તેઓના ઉપર તુટી પડ્યા. રજપૂતો લડવાને બિલકુલ તૈયાર નહતા તેથી તેઓમાં ભંગાણ પડ્યું લશ્કરમાં તુટ પડી; સઘળે ઠેકાણે ગરબડાટ થઈ રહ્યો, અને અંધકારમાં મિત્ર કે શત્રુ કોઈ એાળખાયા નહીં. “અલ્લા હુ અકબર” એ બુમ સંભળાય ત્યારે રજપૂત સિપાઈઓ કપાઈ જતા એમ જણાતું. એવી “અલ્લા હુ અકબર”ની બુમ ઘણી વાર સંભળાતી હતી. કરણ રાજાએ પોતાના લશ્કરને ગોઠવવાની ઘણી મહેનત કીધી, પણ વ્યર્થ ગઈ. કાપણી કરનારા ખેડુતો દાતરડાંથી જેમ અનાજ કાપે તેમ રજપૂતો તે રાતે કપાઈ ગયા. રાજાનો ઘોડો વળી મરી ગયો એટલે રાજાએ ઉભા રહી લડવા માંડ્યું; પણ હવે જય મળે એવી આશા નહતી. એક તલવારના ઘાથી તેનાં પાંસળાં કપાયાં, અને લોહી વહેવાથી અશક્ત થઈને તે ભોંય ઉપર પડ્યો. એ અવસ્થામાં તે કપાઈ મરણ પામત, પણ દૈવયોગે તે વખતે ઝાંખું ઝાંખું અજવાળું પડયું, અને તેનું મ્હોં શ્રી હરપાળે તુરત ઓળખ્યું. રાજા જીવતો રહેશે તો ગયલું રાજ્ય કોઈ દહાડે પણ પાછું હાથ લાગશે, એવા વિચારથી તેણે બેશુદ્ધ રાજાને ઉંચકી લીધો, અને એક ઝડપદાર સાંઢણી ઉપર બેસી ચાલતો થયો. સવાર પડી એટલે રજપૂત સિપાઇની ખરેખરી અવસ્થા જણાઈ. રાતે અંધારાંમાં કેટલાએક સિપાઈઓ નાશી ગયા હતા. ઘણાએક તો માર્યા ગયા હતા; અને બાકી રહ્યા તેઓ જીવની આશા છોડી ભારે જોશથી લડતા હતા. લડાઇના આરંભની વખતે કરણે પાસેના ગામમાં થોડાએક સામંતો તથા કેટલુંએક લશ્કર રાખી મુકયું હતું, અને આખરની વખતે તેઓ ઘણું કામ લાગશે એવી તેણે આશા રાખી હતી; પણ જ્યારે તેઓએ જાણ્યું કે કરણ રાજા દેખાતા નથી, એટલે તે બેશક માર્યો ગયો હશે, લશ્કર સઘળું કપાઈ ગયું, અને