પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૬ )

બીહામણું હતું, તેમાં ઝાડો તો એટલાં હતાં કે ખરે બપોરે ત્યાં તડકો આવી શકતો નહી, તથા ઝાડોની ઘટાથી ત્યાં સદા અન્ધકાર રહેતો. આગળ પાછળ નાના મોટા ડુંગરો હતા, તથા તેમાંથી નિર્મળ નદીઓ વહેતી હતી. પવનથી ઝાડનાં પાતરાં હાલતાં તેથી ત્યાં નિરંતર શબ્દ થયા જ કરતો, તેની સાથે જ્યારે રાત પડતી ત્યારે શિયાળવાં મોટે અવાજે રડતાં, વાઘ બરાડા પાડતા, તથા બીજાં જંગલી પશુઓ જુદા જુદા અવાજ કરી રાતને ભયંકર કરી નાંખતાં. એવા જંગલમાં કૌળારાણી ભયભીત થઈ ભટકતી અને દેહેશતને લીધે તેનું શરીર વખતે વખતે થરથર ધ્રુજતું. તેને રાની પશુઓથી એકલો ડર હતો એમ ન હતું. તે ઓળખાઈ આવે, અને તેને પકડીને પાછા પાટણ લઇ જઈ મ્લેચ્છ લોકોના સરદારને કોઇ સ્વાધીન કરે તે પણ દેહેશત તેને હતી; વળી તેને ચોરની તરફથી પણ ઘણી ધાસ્તી હતી. એક તો તેના અંગ ઉપર ઘણાં કિમતી ઘરેણાં છુપાવીને રાખેલાં હતાં તે લઈ જવાની લાલચથી ચોર લોકો તેનો કદાપી જીવ લે; અને બીજું તે સ્ત્રી હતી, અને પુરૂષને વેશ માત્ર લીધેલો હતો, તે વેશ નીકળી ગયા પછી તેની ખરી જાત ઉઘાડી પડી આવે, તથા દુષ્ટ લોકો તેને ઉપદ્રવ કરે, તથા તેની પવિત્ર કાયાને ભ્રષ્ટ કરે એ પણ તેને ઘણી ફિકર હતી. એ પ્રમાણે તેને ચોતરફથી ચિંતા વળગેલી હતી. તો પણ તેણે હિંમત તથા ધૈર્ય રાખી આગળ ચાલ્યાં જ કીધું; તથા રસ્તામાં આવતા કોઈ પણ ગામમાં અટકી નહી. સારા ભાગ્યે તેણે મુસલમાનનો વેશ ધારણ કીધેલો હતો. તે વખતે તે લોકોનો એટલો બધો ત્રાસ પડી ગયલો હતો કે રસ્તામાં કોઈએ તેનું નામ પૂછયું નહીં. એથી ઉલટું તે જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેને માન પ્રતિષ્ઠા મળતાં ગયાં; તથા તેને જે જોઈતું તે સઘળું તેના ડરથી લોકો તુરત આણી આપતાં. પણ એ પ્રમાણેનું નિરાંતપણું ઘણા દહાડા સુધી કાયમ રહ્યું નહીં. જ્યારે તે જંગલ વટાવાની તૈયારીમાં હતી, અને જ્યારે તેની સઘળી દેહેશત તથા ફિકર ચિંતા મટવા ઉપર આવી હતી, તે વખતે એક દહાડો જળ વજળ દહાડો રહ્યો હતો તેવામાં તેની સામે દશ માણસનું ટોળું આવી