પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૭ )

વિચારથી તેણે એક મોટો નિશાસો મૂક્યો. તેને સઘળી ફીકર પોતાને પુત્રીને વાસ્તે હતી. એ અમૂલ્ય રત્નને કોઈ લુંટારો લઇ જશે એ તેને મ્હોટી દેહેશત હતી. પોતાને વાસ્તે તેને જરા પણ ધાસ્તી ન હતી. તેના ઉપર તો દુઃખના એવા અને એટલા ઢગલા આવી પડ્યા હતા કે એ કરતાં વધારે દુ:ખ તેની કલ્પનામાં પણ આવતું ન હતું. લુંટાયલાને ભય શેનો? તેણે સર્વસ્વ ખોયું હતું; હવે જવાનું કાંઈ બાકી રહ્યું ન હતું. કાંઈ પણ પુછપરછ કર્યા વિના તે અમીર કરણની રેહેવાની જગા ઉપર આવ્યો, ઘોડા ઉપરથી તે ઉતરી પડ્યો, પોતાનાં માણસોને કિલ્લાના જુદા જુદા ભાગમાં રહેવાને મોકલી દીધાં; ઘોડા સઘળા ઘોડશાળામાં બંધાવી દીધા અને પોતે એકલો રજપૂતની આબરૂ તથા મોટા મન ઉપર વિશ્વાસ રાખી ઘરમાં પેંઠો. કરણે તેને અન્દરના ઓરડામાં આવવાની રજા આપી; પોતાની છોકરીને એક બીજા એરિડામાં મોકલી દીધી, અને તે અમીરનું સન્માન કરી ઉભા થઈને તેને બેસવાની જગા આપી. મુસલમાન લોકો ઘણું કરીને બોલવામાં ઘણા હોંશિયાર તથા વાચાળ હોય છે, તેઓની બોલીમાં એક જાતની નરમાશ તથા મિઠાશ હોય છે, તેઓ ઘણી નમ્રતાથી તથા લાયકીથી બોલે છે, તેથી તે અમીરને પોતાની ધારેલી વાત એકદમ કાઢવામાં કાંઈ મુશ્કેલી પડી નહી, અને તે વાત તેણે એવી ચતુરાઈથી ચલાવી કે કરણ તેના દુઃખથી ઘણો ચીઢીયો થઈ ગયો હતો તો પણ તેણે તેની વાત અથથી ઈતિ સુધી ધીરજથી સાંભળી લીધી. તે બોલ્યોઃ “હું સઘળી જહાંનનો પાદશાહ અલાઉદ્દીન જેનું તખત દિલ્હી શહેરમાં છે તેના દરબારનો અમીર છું. દેવગઢનો રામદેવ રાજા ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, તથા દક્ષિણના બીજા રાજાઓ પાદશાહને નામના જ માત્ર તાબે હોય એમ વર્તે છે. તેઓના ઉપર સત્તા કાયમ બેસાડવાને પાદશાહે એક મોટું લશ્કર મોકલ્યું છે. તેની મતલબ આખો દક્ષિણ દેશ જીતવાની છે. અમારું લશ્કર કેવું બળવાન હોય છે તથા તે કેવાં કેવાં કામો કરી શકે છે તે તો હવે તમારી આગળ કહેવાની જરૂર નથી. તેનાં પરાક્રમનો વિસ્તાર કરવાને હું ચાહતો નથી, કેમકે તેમ કીધાથી