પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૭ )

ગયાં હતાં, માટે જે થોડો વિરામ મળ્યો તેથી બન્ને તરફનાં માણસોને ફાયદો થયો, હવે કરણ રાજાએ પોતાની વ્યવસ્થા ઉપર વિચાર કરવા માંડ્યો અને આગળ પાછળની તમામ હકીકત જોતાં તેના મનમાં ઘણી ઉદાસી ઉત્પન્ન થઈ. જે બે હજાર માણસ રહી ગયાં તેમાં ઘટાડો થયાં કરવાનો, વધારાની તો તેને કદી આશા ન હતી; એથી ઉલટું તેને ખબર હતી કે મુસલમાનોના લશ્કરમાં જલદીથી વધારો થવાનો હતો, અને જ્યારે તેઓની મદદે નવા સીપાઈઓ આવશે ત્યારે પોતાનાં થોડાં રહી ગયેલાં માણસો તેની સાથે લડી શકશે નહી, એવી તેને ખાતરી હતી. અંતે તેઓ બાગલાણનો કિલ્લો સર કરવાના, અને તેને અંતે તેઓ બળાત્કારે દેવળદેવીને લઈ જવાના એ પણ નિશ્ચય હતું. લડવાથી માત્ર દહાડા નીકળે છે; બીજો કાંઈ ફાયદો નથી. તેના હાથ નીચેના સીપાઈઓને પણ મરવા સિવાય બીજી કાંઈ આશા ન હતી, અને મરવાની સાથે પણ જે કામને વાસ્તે મુસલમાન લોકો આવેલા છે તે સિદ્ધ કીધા વિના તેઓ પાછા જવાના નથી, એવી તેમના મનની ખાતરી હતી.

હવે કરણે શું કરવું ? લડી લડીને પોતાનાં માણસોનાં નકામા જીવ ખોવડાવવા, પોતે પોતાને હાથે મરવું કે લડાઈનો અંત આવે; અથવા પોતાની પુત્રી દેવળદેવી જે આ લડાઈનું સઘળું કારણ હતું તેને તેણે મારી નાંખવી કે પછી લડાઈ આગળ ચલાવવાની મતલબ રહે નહી. એ ત્રણે રસ્તા ભયંકર હતા. લડવાથી કાંઈ ફળ ન હતું. તેમાં માત્ર માણસો તરફનું નુકશાન થયાં કરતું. પોતાના હાથે તો કેમ મરાય ? એ વાત પણ કરણને ગમે નહીં. આપઘાત કરવામાં ઘણું પાપ છે, એમ તે જાણતે હતો; અપઘાત કરવાથી નરક કુંડમાં પડાય એમ તેણે સાંભળ્યું હતું તથા આપઘાતથી લોકોમાં અપકીર્તિ થાય એ નક્કી હતું. વળી જે નર જીવે તેને સઘળું મળે; મુઆ પછી સઘળી આશા છોડવાની છે; માટે આપઘાત તો કરવો નહીં. હવે દેવળદેવીને મારી નાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નહી. એ કામ ઘણું દુષ્ટ, ભયંકર, અસ્વાભાવિક તથા ચંડાળને લાયક, તો પણ તેવું કામ