પૃષ્ઠ:Karanghelo.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૨ )


પ્રકરણ ૧૫ મું.

બીજે દહાડે સાંજ પડવાની વખતે એક નાના ગામમાં ગડબડ થઈ રહી હતી, ઠેકાણે ઠેકાણેથી ઘોડાનો હણહણાટ સંભળાતો હતો, તથા ચેારા ઉપર ઘણાએક સવારો તથા સીપાઈઓ એકઠા થઈ બેઠા હતા. કેટલાએક નકામા ગામમાં આણીમેર તેણીમેર ફર્યા કરતા હતા. કેટલાએક ગામની બહાર સીમમાં પોતાના ઘોડાઓને વાસ્તે ચારો શોધતા હતા, ગાયો તથા ગોધા ચરીને મસ્તી કરતાં તથા રસ્તામાં કોટેકોટ ધુળ ઉડાવતાં પાછાં ગામ તરફ આવતાં હતાં. ખેડુતો પોતાનાં ખેતરોથી થાકેલા પાકેલા ધીમે ધીમે ઘર તરફ આવતા હતા, તથા તેઓના બળદો રાતનો વિસામો ખાવાને ઘણા આનંદથી સિગડાં ડોલાવતા તથા તેઓને ગળે બાંધેલા ઘુઘરાનો અવાજ કરતા ચાલતા હતા. વખત ઘણો રળિયામણો લાગતો હતો. સૂર્યનારાયણ પશ્ચિમને દરવાજેથી જતા રહેવાની તૈયારીમાં હતા, અને આકાશનો તે ભાગ નાના પ્રકારના રંગથી શોભાયમાન દીસતો હતો, આસપાસનાં ઝાડો તથા ફુલોનો મંદમંદ સુવાસ સઘળે પથરાઈ રહ્યો હતો, તેમાં માત્ર માણસની બેફિકરાઈથી તથા ફુવડાઈથી જ ઉત્પન્ન થતી દુર્ગંધ કોઈ વેળા ભળતી હતી. ગામમાં હરેક ઘરની સામાં એકેક ઉકરડો હતો તેમાં વર્ષોનાં વર્ષ થયા છાણ વગેરે ઘણીએક ગલીચી એકઠી થયાં કરતી હતી, એ ઝેરના ઢગલામાં સડેલી વનસ્પતિ તથા બીજા પદાર્થ કોહ્યાં કરતા, અને તેમાથી જે નાશકારક રજકણો હવામાં ઉડતાં હતાં તેથી લોકોમાં અનેક તરેહના રોગો પથરાતા હતા, તથા તેઓના આવર્દામાં ઘણો ઘટાડો થતો હતો. પણ તે બીચારાં પશુતુલ્ય પ્રાણીઓને એ વાતનું કાંઈ પણ ભાન ન હતું, પોતાના દૈવ ઉપર પાકો ભરોસો રાખીને, જે થાય છે તે ઈશ્વરની તરફથી બને છે એમ સમજીને, તથા તેઓનાં માબાપ છોકરાં, ધણીધણિયાણી, સગાંવહાલાં, વગેરે જેઓ મોતના સપાટામાં તેઓના યોગ્ય વખત પેહેલાં આવી પડેલાં તેનું કારણ કેટલેક દરજજે એ ઉકરડા જ હતા, તથા એ