પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૩ )

ક્રૂર, ચંડાળ સ્ત્રી મહા પાપ કરવાને તત્પર થઇ હાથમાં પ્રાણઘાતક શસ્ત્ર લઈ ઉભી હતી. એક તરફ ઈદ્રની રંભા, અને બીજી તરફ એક શંખણી. એક તરફ કમળલોચની પોતાનાં નેત્રકમળની પાંદડી બીડીને વિશ્રાંતિ લેતી હતી; અને બીજી તરફ લોહીવર્ણ, ફાટેલા ખુની ડોળાવાળી રાક્ષસી દુષ્ટ, વાઘની પેઠે પોતાના શિકાર તરફ તાકતી હતી. એક તરફ સદ્દગુણી, શાંત મનની અબળા નિદ્રાદેવીની બાથમાં ભરાયલી હતી; અને બીજી તરફ સ્ત્રીના નામને એબ લગાડનાર બાયડી અતિ દુષ્ટ કર્મ કરવાને તત્પર થયલી હતી; તેના મનમાં જેમ વાવાઝરડાંથી સાગરનું પાણી ઉછળે છે તેમ ઉથલપાથલ થઈ રહી હતી. આ ભયંકર વખતે તેણે તલવાર ઉગામી તો ખરી, પણ તે નીચે પડતાં વચમાં અટકી ગઈ. ખરે કોઈ સત્યની, કોઈ સદ્ગુણની, કોઈ નિર્દોષપણાની રક્ષણ કરનાર દેવીએ તે શસ્ત્ર પકડી રાખ્યું. ભટાણીનો હાથ નિર્બળ થઇ ગયો, તલવાર હાથમાંથી પડી ગઈ, તેની કાયા શિથિલ થઈ થરથર કાંપવા લાગી; તેને સર્વાંગે પરસેવો છૂટ્યો; અને કપાળ ઉપર પાણીનાં ટીપાં બંધાયાં, તેના મ્હેાં ઉપરથી લોહી ઉડી ગયું, અને જેવો શરીરના બહારના ભાગમાં મોટો ફેરફાર થયો તેવો માંહે પણ થયો. પ્રિય વાંચનાર ! આ ઠેકાણે સવાલ ઉઠશે કે આ શાથી થયું ? અન્ત:કરણના પશ્ચાત્તાપથી જ. ભટાણીએ જો જતાં વાર જ ઘા માર્યો હોત, તો તે દુષ્ટ કામ થઈ ગયું હોત, પણ તેણે આવીને દેવળદેવીનું મ્હેાં કેટલીએક વાર જોયાં કીધું, તેથી ઉંચી વૃત્તિઓને જોર પકડવાને વખત મળ્યો; અન્તઃકરણે પાછો પોકાર કીધો. દેવળદેવીના સુંદર તથા નિર્દોષ મુખમાંથી જે શીતળ કિરણો નીકળ્યાં તેથી ભટાણીના મનની આગ હોલવાઈ ગઈ, અને એ વખત દયા તથા બીજા કોમળ વિકારો મદદે આવ્યા, તેથી ભટાણી બદલાઇ ગયાં. લાગલો જ પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. આ સુંદર કોમળ કાયા ઉપર કઠણ લોઢાનો ઘા કોણ કરી શકે ? આ રૂપાળા ફુલની કળી કોનાથી તોડાય ? આ શોભાયમાન વૃક્ષ ઉપર કુહાડો કેમ મરાય ? તેથી ભટાણી તલવાર પાછી લઈ પોતાની તળાઈ ઉપર સુઈ ગયાં, એમાં કાંઈ આશ્ચર્ય નથી. સદ્ગુણનું આટલું જોર છે, પશ્ચાત્તાપની એટલી અસર છે; પણ તે