પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૦ )


વેરૂલની ગુફા જોવા જવાને તે જ રાત્રે આસરે ત્રણસેં માણસ તૈયાર થયા, અને પાછલી રાત્રે ઉઠીને તથા સાથે હથિયાર રાખીને તેઓ સઘળા ચાલતા થયા. એ કામ તેઓએ એવું છાનામાના કીધું કે છાવણીમાંથી કોઈને કાંઈ ખબર પડી નહી, અને જે થોડાએકે જાણ્યું તેઓ કાંઈ પણ બોલ્યા નહીં. આ સેર કરવા નીકળેલી ટુકડી ઘણીએક રમણિક જગાઓમાં થઈને ચાલી. જમીન ઘણી જ ઉચી નીચી હતી. નાના પહાડો વનસ્પતિથી છવાઈ ગયલા હતા, અને ઘણા શેભાયમાન દીસતા હતા. નીચે ખીણોમાં કાચ જેવી નીતરી નાની નદીઓ વેહેતી હતી તે ઉપર જયારે સૂર્ય પ્રકાશ્યો ત્યારે તે શોભાની કાંઈ મણા રહી નહી. સ્‍હવાર કેવી રળીયામણી લાગતી હતી, તેમાં આવા જખ્ખડ સીપાઈઓ જેઓનો સઘળો અવતાર માણસોને ચીભડાંની પેઠે કાપી નાંખવામાં ગયલો, તથા જેઓ દારૂગોળાની પડોસમાં જ રહેલા, અને સૃષ્ટિની લીલા જેઓએ જોયલી જ નહી, તેઓમાંથી જે કોઈને ઈશ્વરનાં સુંદર કામ તપાસવાનો શોખ હોય તો તેને તે સ્‍હવારે અતિ આનંદ થયા વિના રહે જ નહીં, સૂર્યોદય થતાં જ પેહેલાં તો પહાડોની ટોચે ઉપર સઘળો તડકો પડ્યો, હજી બીજી નીચી જગાઓ ઉપર અન્ધારૂં હતું, પણ ધીમે ધીમે નદીઓમાં પાણી પણ ચળકવા લાગ્યાં. ઝાડોનો લીલો રંગ ભભકાદાર જણાવા માંડયો, ઝાડીઓમાંનાં પક્ષીએાએ નાના પ્રકારના મધુર સ્વર કાઢીને આખી જગા ગજાવી મૂકી. વચ્ચે વચ્ચે રાની પશુઓનો કઠોર શબ્દ સંભાળતો હતો. એવી જગામાંથી જોતા જોતા તે લોકો આગળ ચાલ્યા.

હવે ભીમદેવ, દેવળદેવી, સવારો, સીપાઈઓ, દાસ, દાસીઓ, ભટ, ભટાણી, વગેરેનું શું થાય છે તે ઉપર નજર કરીએ. ગામની બહાર નીકળ્યા પછી કેટલેએક દૂર સુધી રસ્તામાં કાંઈ પણ બનાવ બન્યો નહીં. આશાથી ભરપૂર, ભયરહિત તથા ખુશ દિલથી તેઓ ચાલ્યાં જતાં હતાં. દેવળદેવી એક સુંદર તથા જલદ ઘોડા ઉપર બેસીને ઉંડા વિચારમાં ઘોડાની મરજી પ્રમાણે આગળ જતી હતી. તે દહાડો તેની જીંદગીમાં સૌથી મોટો હતો; તે દહાડે તેની સઘળી ઇચ્છા સફળ થવાની તે આશા રાખતી હતી; તે દહાડે તેના પ્રિયતમનું