પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૯ )

ગયું હાંકનાર એક તરફ પડ્યો, અને માંહે બેઠેલો એક પુરૂષ તથા એક સ્ત્રી એક બાજુએ પડ્યા. તે વખતે બળદો ચોંક્યા તેથી તેઓએ એ ગાડાને આગળ ઘસડ્યું, અને તેમ કરતાં તેનું એક પૈડું તે સ્ત્રીપુરૂષના શરીર ઉપરથી ફરી ગયું. પુરૂષનો પગ આ ઘાથી ભાંગી ગયો, તથા સ્ત્રીને સખત વાગ્યું. ઘાના દરદથી તેઓ બંને બેભાન થઈ પડી રહ્યાં. તેઓ મરી ગયાં એમ જાણી ગાડીના હાંકનારે મોટેથી ચીસ પાડી તે ઠેઠ મેહેલનાં માણસોએ સાંભળી. હરપાળે એ દુઃખભરેલી બૂમ સાંભળી શું બન્યું તે જોવાને પોતાનાં માણસો મોકલ્યાં. થોડી વારમાં તેઓ બે માણસોને એક ખાટલા ઉપર સુવાડીને મેહેલમાં લાવ્યાં. આ ભાગ્યહીન અજાણ્યાં વટેમાર્ગુઓને તેઓની આવી અવસ્થામાં આશ્રય આપવો, તથા તેઓની સારાં કરવાની તજવીજ કરવી, તથા જ્યાંસુધી તેઓ આવી અવસ્થામાં રહે ત્યાંસુધી તેઓની ઘટતી બરદાસ્ત લેવી, એ પોતાનો ખરો ધર્મ છે, એમ જાણી હરપાળે તેઓને પોતાના મેહેલમાંના એક એારડામાં સુવડાવ્યાં, તથા ગામના વૈદ તથા મલમપટા કરનાર હજામને બોલાવી મંગાવ્યા. તેઓના ઉપચારથી તેઓને કેટલીએક વારે ભાન આવ્યું, અને જ્યારે તેઓને માલમ પડ્યું કે તેઓ કોઈ અજાણ્યા માણસના ઘરમાં હતાં, તથા તેમને વાસ્તે તે માણસે ઘણી મહેનત કીધી હતી, ત્યારે તેઓના અંત:કરણમાં ઉપકારવૃત્તિ પ્રકટ થઈ, અને ઘરધણીને જોઈએ તેટલો પાડ માનવાને તેઓ ઘણાં અધીરાં થયાં, જ્યારે રાત પડી ત્યારે હરપાળ તેઓના ઓરડામાં આવ્યો, અને તે ઘાયલ માણસ જોડે તેણે વાતચિત કરવા માંડી. ઘાનું દરદ હમણાં ઓછું થયું હતું તેથી તેનામાં બોલવાની શક્તિ આવી હતી. પોતે કોણ હતો, શાં શાં પરાક્રમ કીધાં હતાં, તથા હાલ તેની સ્થિતિ કેવી થઈ ગઈ હતી તે સઘળી વાતથી વાકેફ કરવાને તેણે પોતાની સઘળી જીન્દગીનું વૃત્તાંત હરપાળ આગળ ઘણે વિસ્તારે કહીં સંભળાવ્યું, પોતાના પરોણાને હવે તેણે સારી પેઠે ઓળખ્યો તેથી તેને ઘણી જ નવાઈ લાગી, અને ગુજરાતનો કટ્ટો શત્રુ પોતાના રાજાને પાયમાલ કરનાર, લોકોને મ્લેચ્છ લોકોના હાથમાં આપનાર, તથા પોતાની સઘળી ફિકર તથા દુઃખનું કારણ, પોતાના ઘરમાં આમ