પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૩ )

જોયો હોય પણ તેના ઉપર કોઈ મોટી આફત આવી પડ્યાથી અથવા, દૈવકોપ થવાથી તેની અવસ્થા આવી બદલાઈ ગઈ હશે, એમ ધરાતું હતું. તે આ વખતે ઉંડા વિચારમાં પડ્યો હતો, અને તે વિચારનો વિષય તેના નિકટના સંબંધનું જ માણસ હતું, તેના કલેજામાં કારી ઘા લાગ્યો હતો, અને તે કાંઈ મહા દુઃખથી તે વખતે પીડાતો હતો.

આ માણસ કોણ છે તે વાંચનારાઓએ ઓળખ્યો હશે, અથવા તેઓએ અટકળ કરી હશે. જો એ બેમાંથી કાંઈ પણ થતું ન હોય તો અમે તેઓને જણાવીએ છીએ કે તે માણસ કરણ ઘેલો હતો. જ્યારે તેણે દેવગઢમાં સાંભળ્યું કે ભીમદેવનું સઘળું લશકર કપાઈ ગયું, તથા દેવળદેવી મુસલમાનોના હાથમાં પકડાઈ, ત્યારે જે દુ:ખ તેને થયું તેનું વર્ણન થઈ શકતું નથી. તેણે કેટલાએક દહાડા સુધી તો અન્ન ચાખ્યું નહી, તથા પાણીનું ટીપું પણ ઓઠે અડકાડ્યું નહી. જે બનાવ અટકાવવાને માટે, તેણે આટલું કષ્ટ સહ્યું, જેને વાસ્તે તે આટલી મુદત સુધી લડાઈ લડ્યો, તથા બેહદ સંકટ વેઠ્યું જેને વાસ્તે તેણે પોતાનો પ્રાણ જોખમમાં નાંખ્યો તથા પોતાનાં ઘણાંએક વહાલાં માણસોને પોતાની નજર આગળ મરતાં દીઠાં, તે જ બનાવ આખરે બન્યો એ કાંઈ થોડી સંતાપ ઉપજાવનારી વાત ન હતી, જે અમૂલ્ય રત્ન તેણે મહા જતનથી ઘરમાં રાખી મૂક્યું, જેને જોવાથી તેને અતિ આનંદ થતો, તથા જે વડે તેને આટલાં મહાભારત દુઃખમાં પણ જીવવું ગમતું હતું, તે રત્ન તેના હાથમાંથી જતું રહ્યું અને તે કોના હાથમાં પડ્યું ? પોતાના ઉંચા કુળનું અભિમાન રાખી તેણે દેવગઢના રાજા સાથે સંબંધ કરવાની ના કહેલી, તથા મ્લેચ્છ લોકોના હાથમાં જાય એ ભયથી જ શંકળદેવને, પોતાનો જમાઈ કરવાને છેલ્લે તેણે ઘણી આનાકાની સાથે કબુલ કરેલું, તે સઘળું વ્યર્થ ગયું તેને જે મોટામાં મોટી દેહેશત હતી તે જ આડે આવી. હવે જીવવું શા સારૂ ? જીવવું કોને વાસ્તે ? અને શું કરવા ? તેણે આપઘાત કરવાને ઘણીએક વાર પ્રયત્ન કીધા, પણ તેને સઘળી વખત કોઈએ રોક્યો. તેને દેવગઢના રાજા રામદેવે ઘણો દિલાસો તથા ધીરજ આપી; તેને અન્ન ખવડાવ્યું, તથા કેટલીએક તદબીરથી તેનું મન પોતાની છોકરી ઉપરથી કઢાવ્યું