પૃષ્ઠ:Karanghelo.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૨ )


અલાઉદ્દીન પાદશાહનાં દરબારમાં મલેક કાફુરની કેટલી સત્તા હતી તે વાંચનારાઓના ધ્યાનમાં આવ્યું હશે. તેણે પોતાની હોશિયારી, દગા, ફટકા, તથા બહાદુરીથી સઘળાને તાબે કરી લીધા હતા, તથા પાદશાહના મન ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહી, અને કાફુર જે ધારતો તે કામ પાદશાહ પાસે કરાવતો. જેમ જેમ પાદશાહ ઘરડો થતો ગયો, તથા તેના શરીરની તથા મનની શક્તિ ક્ષીણ થતી ગઈ તેમ તેમ કાફુરનું ચલણ વધતું ગયું, અને આ વખતે તો પાદશાહ કાફુરના હાથમાં પુતળા જેવો થઈ ગયો હતો. તે જેમ તેને નચાવતો તેમ તે નાચતો. ખરેખરો પાદશાહ તો મલેક કાફુર જ હતો. મલેક કાફુર પણ આટલી બધી સત્તા મળ્યા છતાં સંતોષ પામ્યો ન હતો. એ તો સ્વાભાવિક છે કે માણસને જેમ વધારે મળે છે તેમ તેને વધારે મેળવવાની ઈચ્છા થાય છે. માણસ કોઈ દહાડો ધરાતો નથી, અને તેની ઇચ્છાનો અંત આવતો નથી. એ જ મલેક કાફુર કેટલાંએક વર્ષ ઉપર ખંભાતમાં ગુલામ હતો, અને તે જ હમણાં એક મોટા, દ્રવ્યવાન અને શોભાયમાન રાજ્યના પાદશાહ જેવો થઈ પડ્યો હતો, એ કાંઈ થોડું હતું? એટલું તેના સ્વપ્નામાં પણ કોઈ દહાડો નહીં આવ્યું હોય તે છતાં પણ હજુ તેની ઉમેદ આગળ વધવાની હતી, અને તેને અલાઉદ્દીન પાદશાહના મરણ પછી તખ્તનશીન થવાની હોંસ હતી. આ ઉમેદ પાર પાડવી કાંઈ અશક્ય ન હતી. તેમાં વિશેષે કરીને પૂર્વ તરફના દેશોમાં એ વાત ઘણી સાધારણ હતી તેથી તેની ઉમેદને ઉત્તેજન મળતું પણ એક કાંટો તેને ઘણો સાલ્યાં કરતો હતો. અલાઉદ્દીનને પુત્ર હતા તે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી તેને તખ્ત મળવાની આશા થોડી હતી, માટે તે રાતદિવસ તેમના મોતની રાહ જોતો હતો, અને જ્યારે તેમ અત્યાર સુધી પોતાની મેળે ન બન્યું ત્યારે બળાત્કારે તેમ કરવાનો તેણે નિશ્ચય કીધો, તેના પુત્રની અભક્તિ તથા કપટની વાતોથી તે રોજ અલાઉદ્દીનના કાન ભંભેર્યા કરતો; અને તેથી થોડી ઘણી અસર પાદશાહના મન ઉપર થઈ હતી. રાજાનો શાહજાદાઓ ઉપરથી કંઈક અંશે પ્યાર ઉઠી ગયો હતો, અને જેટલો બાકી રહ્યો