પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૪૫ )

ફેરફાર થયો નહીં, તેને એ પ્રમાણે થશે એવી આશા જ હતી, અને એમ થવાથી તે ઉલટો ખુશ દેખાયો. તે જાણતો હતો કે અત્યાર સુધી જે તેઓની હાર થઈ છે તેનું મુખ્ય કારણ તેના બાપ રામદેવની નામરદાઈ હતી; પણ હમણાં જ્યારે સઘળો અધિકાર તેના હાથમાં આવ્યો છે, અને નામરદાઈની સલાહ આપનાર કોઈ રહ્યું નથી, ત્યારે જય થશે જ એવો તેને પાકો ભરોંસો હતો. વળી તેને લડાઈમાં કીર્તિ મેળવવાની ઘણી હોંસ હતી, તેથી આવો વખત આવેલો જોઈને તેને ઘણો હર્ષ થયો. તેણે તે જાસુસને કેટલુંએક ઈનામ આપવા માંડ્યું, પણ તે હાથ જોડીને બોલ્યોઃ “મહારાજ ! મેં એ કામ ઈનામને વાસ્તે કીધું નથી. હું તમારું શુભ ઇચ્છનાર છું, હું તમારું તેજ વધારે જોવાને ચાહું છું, અને એ મ્લેચ્છ લોકોનો નાશ થાય તે જોવાને હું ઘણો આતુર છું. માટે મહારાજ ! એક મારી વિનંતિ કબુલ રાખવી જોઈએ. મને શસ્ત્ર વાપરવાનો મહાવરો છે. હું ઘણીએક વાર એ દુષ્ટ લોકો સાથે લડ્યો છું, અને હજી વધારે તેઓની સાથે લડવાની મને ઘણી હોંસ છે. એ ચંડાળ લોકોએ મારૂં ઘર પાયમાલ કીધું છે. તેનું તેઓના ઉપર મારે સખ્ત વેર લેવું છે, માટે જો કૃપા કરીને મને થોડાં માણસોની સરદારી સોંપશો, તો હું કેવી રીતનો માણસ છું, તથા કેવી રીતે લડી શકું છું, તે હું બતાવી આપીશ. “મહારાજ ! કાંઈ આચકો ખાતા ના. હું ઘરડો દેખાઉં છું; મારૂં શરીર ગળી ગયલું છે; તથા મારામાં ઘણો દમ જણાતો નથી, પણ એ સઘળું મારા ઉપર પડેલી વિપત્તિને લીધે થયું છે. મારો બહારનો દેખાવ ગમે તેવો હોય તોપણ મારું મન હજી અશક્ત થયું નથી. મારામાંથી હજી શૂરાતન ગયું નથી. મારા અંત:કરણનો જુસ્સો હજી હોલવાયો નથી મેં ઘણી એક લડાઈઓ જોઈ છે, માટે મારી જો અરજ કબુલ કરશો તો મારા ઉપર કૃપા થશે.”

શંકળદેવને તેનો ચેહેરો જોઈને અને તેને આવું બોલતાં સાંભળીને ઘણું આશ્ચર્ય લાગ્યું અને તે ખરેખરો બહાદૂર માણસ હશે એમ જાણીને તેને એક હજાર સવારની સરદારી આપી, પછી તેણે લડાઈ