પૃષ્ઠ:Karanghelo.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩પ૧ )

આવીને શંકળદેવને કહ્યું, “હે રાજા ! સઘળી જહાંનના પાદશાહ અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય સરદાર નાયબ મલેક કાફુર તમને ખબર કરે છે કે, ઘણાંએક વર્ષ ઉપર તમારૂં રાજ્ય પાદશાહે જીત્યું, અને તમારા ઉપર ઘણી દયા કરી ખંડણી બેસાડી, તે ખંડણી તમારા બાપે એક વાર બંધ કીધી. ત્યારે અમારે ઈહાં ફરીથી આવવું પડયું, તે વખતે તમારો બાપ રામદેવ અમારે શરણ આવ્યો, અને અમને ખંડણી ઉપરાંત કેટલુંક નજરાણું પણ આપ્યું. તમારો બાપ રામદેવ પાદશાહની હજૂરપનાહમાં ગયો, અને તેને રાયારાયને ઈલકાબ આપ્યો, તથા તેને જાગીર પણ આપી. તમારો બાપ પાછો દેવગઢમાં આવ્યો, અને જ્યાં લગી જીવ્યો ત્યાં સુધી તેણે ધારા પ્રમાણે ખંડણી આપ્યાં કીધી. તેના મુઆ પછી તમે ખંડણી બંધ કીધી. તમે જાણો છો કે તૈલંગણના રાજાએ ખંડણી આપવાનું કબુલ કીધું છે, અને તે વસુલ કરવાને અમે જઈએ છીએ; પણ રસ્તામાં તમારી ખબર લેવી, અને તમને સારી શિખામણ આપવી, એ વિચારથી અમે ઈહાં આવ્યા છીએ. ખંડણી આપ્યા વિના તમારે છૂટકો થવાનો નથી, અમે જ્યાં જઈએ છીએ ત્યાંથી અમારી મતલબ પાર પાડ્યા વિના કદી પણ પાછા ફરતા નથી. અમારું લશ્કર કદી હારીને પાછું ફર્યું નથી. માટે હમણાં ડાહ્યા થઈને રાજીખુશીથી ચઢેલી ખંડણી, અમારે ઈહાં આવવાનો ખરચ, તથા તમારા ઉપર જે દંડ ઠેરવવામાં આવે તે સઘળું એકદમ આપો. નહી તો આ તમારૂં લશ્કર એક પલકમાં પાયમાલ કરી નાંખીશું, તમારી રાજધાની બાળી મૂકીશું; તમારા લોકોને કતલ કરી નાંખીશું; તથા બીજી જેટલી ખરાબી અમારાથી થઈ શકશે તેટલી કરીશું. માટે એ સઘળા ઉપર વિચાર કરીને મનમાં વિવેક લાવીને જવાબ આપજો. ઉન્મત્તાઈ કરવાનું કાંઈ કામ નથી. પાછળથી પસ્તાવો કરવો પડે એવું કદી કરશો નહી.” જાસુસની આ વાત સાંભળી તેનો જવાબ રાજા શો આપે છે તે જાણવાને સઘળા સીપાઈઓ તથા સરદારો ઘણા આતુર હતા. રાજાએ તુરત જવાબ દીધો નહી, તેણે વિચાર કરવા માંડ્યો. એટલામાં પેલો નવો રાખેલો સરદાર તેની પાસે ગયો, અને તેની સાથે કેટલીએક વાત કરી તેના મનમાં જે કાંઈ શંકા હતી