પૃષ્ઠ:Karanghelo.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૮ )

તે જોઈ ઓરડામાંથી બહાર નીકળી એટલામાં એક બીલાડી આડી ઉતરી; બારી તરફ નજર ગઈ ત્યારે રસ્તામાં એક રાંડેલી બઈરી જતાં જોઈ. એ પ્રમાણે સવારના પહોરમાં તેને નઠારા શકુન થયા. તેનો ધણી ગામ જવા તથા ત્યાં આખો દહાડો રહેવાનો તેથી તેનું શું થશે એ વિષે તેને ભારે ફિકર થઈ, અને તે ગામ તે દહાડે ન જવાને તેણે તેને ઘણો સમજાવ્યો, પણ કામ અગત્યનું, રાજાનો હુકમ થયલો, અને પોતે નાગર એટલે વહેમ પણ થોડો તેથી વહુની વાત ન ગણકારતાં તે ગામ ગયો. તેના ગયા પછી તે મનમાં વિચાર કરવા બેઠી કે શકુનથી કાંઈ થતું નથી એ તો હું જાણું છું, પરમેશ્વરની ઈચ્છા વિના એક સળી પણ હાલતી નથી, તોપણ તેના મનમાં આવતું કે ભુંડો ભુંડાનો ભાવ ભજવ્યા વિના રહે જ નહી, માટે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો જગદંબાની મોટી કૃપા સમજવી.

એ પ્રમાણે વિચાર કરી રૂપસુન્દરી નીચે ઉતરી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી પાટલે બેઠી, એટલામાં તેની નજર જોશી મહારાજ ત્યાં આવેલા હતા તે ઉપર પડી, જોશીને જોતાં જ તેને સવારના માઠા શકુન યાદ આવ્યા તેથી તેણે સઘળી વાત તેની આગળ કહી. જોશીએ જરા સૂર્ય તરફ નજર કરી આસપાસ જોઈ તોળા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ગણવા માંડ્યું, અને જરા વિચાર કરી જવાબ દીધો: “શકુન નડે એવું કાળયોગ ઉપરથી જણાતું તો નથી તો પણ શાસ્ત્ર પ્રમાણે તે વખતે તમારા અંગ ઉપર જે જે વસ્ત્રાભૂષણ હોય તે સઘળાં બ્રાહ્મણને દાન કરવાં જોઈએ, તમારી જન્મોત્રીની કુંડળી પણ મને મ્હોડે છે તે ઉપર ધ્યાન પહોંચાડતાં પણ કાંઈ વિપરીત થાય એવો સંભવ નથી, તમને માત્ર રાહુ પીડિત છે તેને માટે આજ તેનું દાન કરો તો સારું દાન ઘણું નથી; એક મહોર બસ છે.” રૂપસુંદરીએ તે જ ક્ષણે સવારે પહેરેલાં તમામ લુગડાં, ઘરેણાં તથા તે ઉપર એક સોનાની મહોર મુકીને પગે પડીને જોશી મહારાજને આપ્યાં. તેમને વિદાય કીધા પછી થોડું ઘણું દેવપૂજન કરી ભોજનની તૈયારી કીધી. પણ એટલામાં ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. ચાકરને તુરત તેણે તજવીજ કરવાને મોકલ્યો, તેણે આવી જાહેર કીધું